અમેરિકા મંદીમાં સપડાય તો ભારત પર પડશે અસર? શું ભારતીય અર્થવ્યવસ્થા અને શેર બજારને લાગશે મોટો ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા બાદ અમેરિકામાં આર્થિક મોરચે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મંદીના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકામાં મંદી આવે તો  ભારત પર તેની અસર થઈ શકે ખરી?

અમેરિકા મંદીમાં સપડાય તો ભારત પર પડશે અસર? શું ભારતીય અર્થવ્યવસ્થા અને શેર બજારને લાગશે મોટો ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓના કારણે અમેરિકામાં ભારે ઉથલપાથલ મચેલી છે. અમેરિકી શેર બજારમાં ભારે કડાકાનો માહોલ જોવા મળ્યો છે અને S&P 500 પોતાના ઉચ્ચ સ્તરેથી 10 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે. આર્થિક મંદીની આશંકા પ્રબળ બની રહી છે. અમેરિકી અર્થવ્યસ્થામાં સુસ્તીના સંકેત મળી રહ્યા છે. વેપાર યુદ્ધ અને ઊંચા ટેરિફના કારણે અમેરિકી કંપનીઓ રોકાણ અને રોજગાર સર્જનમાં સંકોચ  કરી રહી છે. KPMG ના પ્રમુખ અર્થશાસ્ત્રી ડાયને સ્વોન્કનું કહેવું છે કે અમેરિકા આગામી વર્ષની શરૂઆતમાં મંદીના ઝપેટામાં આવી શકે છે. આવામાં સવાલ એ ઉઠે છે કે અમેરિકાની આર્થિક સુસ્તી અને ઊંચા ટેરિફની ભારત પર શું અસર પડશે?

શું કહેવું છે વિશેષજ્ઞોનું?
વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકા જો મંદીની ગિરફ્તમાં આવી જાય તો તેનાથી ભારત પણ બાકાત રહેશે નહીં. જો કે તેમનું માનવું છે કે અમેરિકામાં મંદીથી ભારતીય અર્થવ્યવસ્થા વધુ પ્રભાવિત થશે નહીં. ભારત સરકારની નીતિઓ અને આરબીઆઈની મોનેટરી પોલીસી આ પ્રભાવને સંતુલિત કરવા માટે સક્ષમ છે. આવામાં ભારતે સતર્ક રહેવાની જરૂર છે. પરંતુ ગભરાવવાની જરૂર નથી. 

અસર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ અમેરિકી બજારમાં કડાકાની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ પોતાના ઉચ્ચ સ્તરથી 14 ટકા નીચે ગગડી ચૂક્યો છે જો કે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ ભારતીય શેર બજાર લાંબા સમયગાળા માટે મજબૂત બની રહેશે અને 2025ના અંત સુધીમાં સેન્સેક્સ 1,05,000 ના સ્તરે જઈ શકે છે. આ ઉપરાંત ભારત નિકાસને પણ ઝટકો લાગી શકે છે. અમેરિકા ભારત માટે પ્રમુખ નિકાસ બજારોમાંથી એક છે. જો અમેરિકા પોતાના ટેરિફ વધારે તો ભારતીય પ્રોડક્ટ્સની માંગ પ્રભાવિત થઈ શકે છે. એનએન્ડટીના ગ્રુપ ચીફ ઈકોનોમિસ્ટ સચ્ચિદાનંદ શુકલાનું કહેવું છે કે અમેરિકામાં આર્થિક સુસ્તીથી ભારતમાં ડોલર આધારિત રોકાણ અને વિદેશી મૂડી પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે. 

મંદીની કેટલી લાંબી અસર?
EY ઈન્ડિયાના પ્રમુખ નીતિ સલાહકાર ડી કે શ્રીવાસ્તવે કહ્યું કે અમેરિકામાં સરકારી ખર્ચાઓમાં કાપ અને કર્મચારીઓના પગારમાં કાપથી માંગણી પર અસર પડી શકે છે. જો કે તેઓ માને છે કે આ મંદી લાંબા સમય સુધી રહેશે નહીં અને ઉર્જા કિંમતોમાં ઘટાડાથી અમેરિકી અર્થવ્યવસ્થાને રાહત મળી શકે છે. 

એફડીઆઈ પર અસર
અમેરિકી મંદીથી ડોલર મજબૂત થઈ શકે છે જેનાથી ભારતીય રૂપિયો નબળો થશે. તેનાથી વિદેશી રોકાણ (FDI) અને પોર્ટફોલિયો પ્રભાવિત થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત હજુ પણ દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે. આઈએમએફના જણાવ્યાં મુજબ ભારતની અર્થવ્યવસ્થા 6-6.5% ના દરથી આગળ વધે તેવી શક્યતા છે. 

બીજી બાજુ મીડિયા રિપોર્ટ મુજબ બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસનું કહેવું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિની અસર અસ્થાયી હોઈ શકે છે. જો અન્ય દેશ પોતાના ટેરિફ ઘટાડે તો અમેરિકી નિકાસને પણ પ્રોત્સાહન મળશે, જેનાથી મંદીની આશંકા ઘટી શકે છે. EY ના ડી કે શ્રીવાસ્તવનું કહેવું છે કે ભારતીય સરકારે ઘરેલુ માંગને વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધવાથી ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે અને વૈશ્વિક મંદીની અસર ઘટશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news