)
India-China Relations: અમેરિકા સાથેના ટેરિફ વિવાદને કારણે સંબંધોમાં આવેલા તણાવ વચ્ચે ભારત અને ચીન ફરી એકવાર નજીક આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ટૂંક જ સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યારે SCO બેઠકમાં પીએમ મોદી પણ ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. આ દરમિયાન ચીને ભારત સાથે મળીને કામ કરવાની વાત કહી છે. ચીને કહ્યું છે કે, તે ભારત સાથે મતભેદોને યોગ્ય રીતે ઉકેલીને મળીને કામ કરવા તૈયાર છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત યાત્રા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું કે, "ચીન અને ભારત વિવિધ સ્તર પર વાતચીત કરી રહ્યા છે. અમે બન્ને દેશોના નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સહમતિ પર અમલ કરીને, ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની ગતિ જાળવી રાખવા, રાજકીય પરસ્પર વિશ્વાસને મજબૂત કરવા, વ્યવહારુ સહયોગ વધારવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને ચીન-ભારત સંબંધોના નિરંતર, મજબૂત અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. આ વિશિષ્ટ યાત્રા વિશે સંબંધિત માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે."
ભારતથી ચીન સુધીની સીધી ફ્લાઇટ્સ આવતા મહિનાથી ફરી શરૂ થવાની તૈયારીમાં છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાનારી શંઘાઈ કોઓપરેશન સમિટ દરમિયાન આની જાહેરાત થઈ શકે છે. આ પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે સંબંધિત રિપોર્ટ જોયા છે. ચીન અને ભારતની કુલ વસ્તી 2.8 અબજથી વધારે છે. ચીનની મુખ્ય ભૂમિ અને ભારત વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થવાથી સરહદ પાર મુસાફરી, આદાનપ્રદાન અને સહયોગને પ્રોત્સાહન મળશે. છેલ્લા કેટલાક સમયથી ચીની પક્ષ બન્ને દેશો વચ્ચે શક્ય તેટલી વહેલી તકે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ભારત સાથે ગાઢ સંપર્કમાં છે."
જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે, હાલમાં જ ચીન-ભારત સંબંધોમાં સકારાત્મક ગતિ જોવા મળી છે, જેમ કે અમેરિકા સાથે ભારતના સંબંધો પડકારોનો સામનો કરી રહ્યા છે. ચીન ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે વિકસતા જુએ છે? આના પર લિન જિયાને જવાબ આપ્યો કે, "ચીન અને ભારત બન્ને જ મુખ્ય વિકાસશીલ દેશો છે અને ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ સભ્યો છે. ડ્રેગન અને હાથીનો એકબીજાની સફળતામાં સહયોગી બનીને સહયોગ કરવો બન્ને પક્ષો માટે યોગ્ય વિકલ્પ છે. ચીન, ભારત સાથે મળીને બન્ને દેશોના નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સહમતિ પર અમલ કરવા, રાજકીય પરસ્પર વિશ્વાસ સતત વધારવા, આદાનપ્રદાન અને સહયોગ વધારવા, વ્યાપક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને શાંઘાઈ સહયોગ સંગઠન જેવા બહુપક્ષીય મંચો પર સંકલન અને સહયોગને મજબૂત બનાવવા માટે તૈયાર છે, જેથી ચીન-ભારત સંબંધોના મજબૂત અને સ્થિર વિકાસને પ્રોત્સાહન મળી શકે.