G-7 દેશોએ પહેલગામનો ઉલ્લેખ કરતા શું કહ્યું? ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શેર કર્યુ નિવેદન

G-7 on India Pakistan: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા G-7 દેશોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આ તણાવપૂર્ણ સ્થિતિમાં મહત્તમ સંયમ રાખવો જોઈએ. નિવેદનમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

G-7 દેશોએ પહેલગામનો ઉલ્લેખ કરતા શું કહ્યું? ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શેર કર્યુ નિવેદન

India Pakistan War: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ અંગે દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ સંદર્ભમાં G7 દેશોના વિદેશ મંત્રીઓ અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા G-7 દેશોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આ તણાવપૂર્ણ સ્થિતિમાં મહત્તમ સંયમ રાખવો જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વધુ કોઈપણ લશ્કરી તણાવ પ્રાદેશિક સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે અને બન્ને દેશોના નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

તાત્કાલિક તણાવ ઘટાડવા કરી અપીલ...
G7 દેશોએ તાત્કાલિક તણાવ ઓછો કરવા અપીલ કરી અને ભારત-પાકિસ્તાન બન્નેને શાંતિપૂર્ણ સમાધાન માટે સીધી વાતચીત શરૂ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ હાલાત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને સ્થાયી અને ઝડપી રાજદ્વારી સમાધાનનું સમર્થન આપે છે. આ નિવેદનમાં આતંકવાદની સ્પષ્ટ નિંદા કરવામાં આવી હતી અને શાંતિની દિશામાં વૈશ્વિક સમર્થનનો સંકેત આપવામાં આવ્યો છે.

સતત બન્ને દેશોના સંપર્કમાં US
આ પહેલા અમેરિકાએ ફરી એકવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્ને દેશો વચ્ચેના જૂના મતભેદોને સમજે છે અને તેમનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવી જોઈએ. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સતત બન્ને દેશોના સંપર્કમાં છે અને તણાવ ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

આ પહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ કહ્યું છે કે, અમેરિકા આ ​​તણાવમાં સીધી દખલ નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, અમેરિકા બન્ને દેશોને રાજદ્વારી માધ્યમથી તણાવ ઓછો કરવા કહેશે. પરંતુ કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં જોડાશે નહીં. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, આ તણાવ સંપૂર્ણ યુદ્ધ અથવા પરમાણુ સંઘર્ષમાં ન બદલી જાય. જો કે, હાલમાં આવી કોઈ આશંકા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news