)
જે રીતે નાટો દેશો વચ્ચે સમજૂતિ થયેલી છે એ જ રીતે હવે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ડિફેન્સ ડીલ થઈ છે જેના લીધે અનેક લોકોના ભવા ચડી ગયા છે. ભારત માટે આ ડીલ કેમ ચિંતાજનક છે. ડીલનો અર્થ એ છે કે એક દેશ પર જો હુમલો થાય તો આ હુમલો બીજા દેશ ઉપર પણ ગણવામાં આવશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાજ શરીફે બુધવારે આ ડિફેન્સ ડીલ પર મહોર લગાવી. આ ડિફેન્સ ડીલે મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયાના જિયોપોલિટિક્સમાં હલચલ પેદા કરી છે. આ સમજૂતિને એ રીતે સમજી શકાય કે જો પાકિસ્તાન પર હુમલો થાય તો સાઉદી સાથ આપશે અને સાઉદી પર હુમલો થયો તો પાકિસ્તાન સાથ આપશે. એટલે કે આક્રમણ કે યુદ્ધની સ્થિતિમાં બંને દેશો એકબીજાનો સહયોગ કરશે.
આ બાબતે એક સવાલ એ પણ થાય કે ચલો પાકિસ્તાનને તો ભારત સાથે તણાવ ચાલે છે એટલે આ ડીલ માટે તે મરી પડે પરંતુ સાઉદી અરેબિયા માટે એવી તે શું સ્થિતિ પેદા થઈ કે તેણે પાકિસ્તાન સાથે આ ડીલ કરવી પડી? તે પણ એવા સમયે કે જ્યારે સાઉદી પોતે અમેરિકાનો જૂનો સહયોગી છે અને ઓઈલ ધરાવતો અમીર દેશ છે.
ડિફેન્સ ડીલમાં પાકિસ્તાનને કેમ રસ હોય તે તો જગજાહેર છે. પાકિસ્તાને આ ડીલ કેમ કરી એ તો બધા જાણે છે. તેને દરેક પળ એ ભય રહે છે કે ભારત ગમે ત્યારે હુમલો ન કરી નાખે. ઓપરેશન સિંદૂરથી તો ફફડી ગયું છે. આમ પણ ભારત વારંવાર કહે છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. વાત જાણે એમ છે કે 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ એટેક બાદ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. જેમાં પાકિસ્તાન અને તેના આતંકીઓની કબર ખોદાઈ ગઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના હાલાત પેદા થઈ ગયા. ભારતના બ્રહ્મોસે એવી તબાહી મચાવી કે પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું. એટલે પાકિસ્તાને પોતાના ફાયદા માટે આ ડીલ કરી છે જેથી કરીને ભારત હુમલો કરે તો સાઉદી રક્ષા કરી શકે.
પરંતુ સાઉદીની શું મજબૂરી?
વાત જાણે એમ છે કે પરમાણુ હથિયારો ધરાવતું પાકિસ્તાન લાંબા સમયથી સાઉદીનો સૈન્ય ભાગીદાર છે. સાઉદી અરબે પાકિસ્તાનને આર્થિક મદદ આપેલી છે. પાકિસ્તાનનું જોઈએ તો તેણે તો આ ડીલ ભારતથી બચવા માટે જ કરી છે. પરંતુ સાઉદી અરબ તરફથી આ ડીલ મજબૂરીની સાથે સાથે સમજી વિચારીને લેવાયેલું પગલું છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે સાઉદી અરબને હવે પહેલાની જેમ અમેરિકા પર ભરોસો નથી. એવું કહેવાય છે કે આ સમજૂતિ અમેરિકાના 'દગા'નું પરિણામ છે. અમેરિકા શરૂઆતથી ઈચ્છે છે કે સાઉદી અરબ ઈઝરાયેલ સાથેના પોતાના સંબંધો સામાન્ય કરે. સાઉદીને હવે અમેરિકાની સુરક્ષા ગેરંટી પર વિશ્વાસ નથી.
તો શું આ છે મજબૂરી?
પાંચ પોઈન્ટમાં સમજો કે ડીફેન્સ ડીલ પાછળ સાઉદી અરબની શું હોઈ શકે મજબૂરી....
- ઈરાન સાથે સાઉદી અરબના તણાવવાળા સંબંધ
- ઈઝરાયેલનો કતારની રાજધાની દોહામાં હુમલો
- અમરિકાની સુરક્ષા ગેરંટી પર કોઈ ભરોસો નથી
- ઈસ્લામિક દેશોને એકજૂથ કરવા
- પાકિસ્તાનનું પરમાણુ સંપન્ન દેશ હોવું
આ પણ કારણ હોઈ શકે..
જે પ્રકારે ઈઝરાયેલે કતારની રાજધાની દોહામાં હુમલો કર્યો તેણે પણ સાઉદીની ચિંતા વધારી દીધી. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે આ રણનીતિક રક્ષા સમજૂતિ પાડોશી દેશ કતારની રાજધાની દોહામાં થયેલા હુમલા બાદ થઈ છે. ઈઝરાયેલે દોહામાં હમાસ નેતાઓ પર હુમલો કર્યો હતો. જો કે દોહામાં થયેલા હવાઈ હુમલાની અમેરિકાએ ટીકા કરી પરંતુ કોઈ નક્કર પગલાં ભર્યા નહીં. આથી સાઉદીને હંમેશા ડર સતાવે છે કે ઈઝરાયેલ ક્યાંક સાઉદી સુધી પહોંચી ન જાય. આમ પણ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગાઝા યુદ્ધને નરસંહાર ગણાવ્યો હતો. સાઉદીએ અવારનવાર ઈઝરાયેલની ટીકા પણ કરી છે.