'જો નેતન્યાહૂ ગાઝા શિખર સંમેલનમાં સામેલ થશે તો...' ટ્રમ્પની સામે ઈરાકે ઈઝરાયલને આપી ચેતવણી
Gaza Summit in Egypt: ઇરાકના વડાપ્રધાને ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓને જાણ કરી કે, જો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાજરી આપશે તો તેઓ સંમેલનમાંથી ખસી જશે.
Trending Photos
)
Gaza Summit in Egypt: ગાઝા શાંતિ યોજનાનો પ્રથમ તબક્કો સોમવાર (13 ઓક્ટોબર 2025)ના રોજ બંધકોની મુક્તિ સાથે શરૂ થયો છે. ગાઝામાં જીવિત તમામ 20 બંધકોને બે વર્ષના યુદ્ધ પછી હમાસની કેદમાંથી મુક્ત કરીને ઇઝરાયલ પરત મોકલવામાં આવ્યા છે. ગાઝા પટ્ટીમાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં એક શાંતિ શિખર સંમેલન યોજાવાનું છે, જેના માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે.
ઇરાકના પીએમએ નેતન્યાહૂને આપી ચેતવણી
આ સંમેલનમાં હાજરી આપનારા ઇરાકના પ્રધાનમંત્રી મોહમ્મદ શિયા અલ-સુદાનીએ ઇઝરાયલને ચેતવણી આપી છે. ઇરાકી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ગાઝા સમિટ પહેલા ઇરાકના વડાપ્રધાને ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓને જાણ કરી કે, જો ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ હાજરી આપશે તો તેઓ સમિટમાંથી ખસી જશે.
ગાઝા સંમેલનમાં હાજરી આપશે નહીં નેતન્યાહૂ
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલા જ સમય મર્યાદાનો હવાલો આપીને ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર, તે સમયે યહૂદી તહેવાર સિમહત તોરાહ આવે છે અને નેતન્યાહૂ કોઈપણ યહૂદી તહેવાર પર મુસાફરી કરવાનું ટાળે છે.
આ શિખર સંમેલનની અધ્યક્ષતા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફત્તહ અલ-સીસી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ થાય છે.
ગાઝામાં શાંતિ લાવવા બદલ પીએમ મોદીએ ટ્રમ્પની કરી પ્રશંસા
ગાઝામાં શાંતિ લાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, "અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનેલા ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. અમે આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈમાનદાર પ્રયાસોને સમર્થન કરીએ છીએ." ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














