)
US Venezuela tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધી રહ્યો છે અને શનિવારે એવું થયું કે જેનાથી દુનિયામાં એક નવા યુદ્ધના સંકેતો મળવા લાગ્યા છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચેતવણી બાદ છ એરલાઇન્સે વેનેઝુએલા માટેની તેમની ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. જેમાં સ્પેનની ઇબેરિયા, પોર્ટુગલની TAP, ચિલીની LATAM, કોલંબિયાની એવિયાન્કા, બ્રાઝિલની જીઓએલ અને ટ્રિનિદાદ અને ટોબેગોની કેરેબિયન એરલાઇન્સનો સમાવેશ થાય છે. ફ્લાઇટરાડાર24 અને સિમોન બોલિવાર માયકેટિયા ઇન્ટરનેશનલ એરપોર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બ્રાઝીલ, કોલંબિયા અને એર પોર્ટુગલની ફ્લાઇટ્સ તે સમયે રદ્દ કરવામાં આવી જ્યારે તે શનિવારે કારાકાસથી ટેક ઓફ કરવાની હતી.
સતત બગડતી સ્થિતિ
અમેરિકાના FAA તરફથી જે નોટિસ જાહેર કરવામાં આવી છે, તે મુજબ વેનેઝુએલા અથવા તેની આસપાસ સુરક્ષાની સ્થિતિ બગડી રહી છે અને સૈન્ય ગતિવિધિઓમાં પણ તેજી આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે દરેક પ્રકારની ઊંચાઈ પર એરક્રાફ્ટ માટે જોખમ ઊભું થઈ શકે છે. તાજેતરના કેટલાક મહિનાઓમાં આ વિસ્તારમાં અમેરિકી મિલિટરીની તૈનાતીમાં વધારો થયો છે. તૈનાતી હેઠળ અમેરિકાએ તેનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર, ઓછામાં ઓછા આઠ વોરશિપ અને F-35 એરક્રાફ્ટને અહીં મોકલી દીધા છે. ફ્લાઇટરડાર24 અનુસાર લેટમ એરલાઇન્સ (LTM.SN)ની રવિવારે બોગોટા માટે નિર્ધારિત ફ્લાઇટ પણ રદ્દ કરી દેવામાં આવી છે.
એરસ્પેસમાં જોખમની ચેતવણી
એરોનોટિકા સિવિલ ડે કોલંબિયાએ એક નિવેદનમાં કહ્યું કે 'સુરક્ષાની સ્થિતિ બગડવા અને વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ વધવાને કારણે મેક્વેટિયા વિસ્તારમાં ઉડાન ભરવામાં સંભવિત જોખમ છે.' એર પોર્ટુગલે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે શનિવાર અને આગામી મંગળવાર માટે નિર્ધારિત તેની ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, 'આ નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સ એવિએશન ઓથોરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ લેવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વેનેઝુએલાના એરસ્પેસમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી.'
સ્પેનની ઇબેરિયાએ પણ કહ્યું કે તે સોમવારથી આગળની જાણકારી ન મળે ત્યાં સુધી કારાકાસ માટેની તેની ફ્લાઇટ્સ રદ્દ કરી રહી છે. સ્પેનિશ કંપનીની શનિવારે વેનેઝુએલાની રાજધાનીથી મેડ્રિડ માટે નિર્ધારિત ફ્લાઇટ ઉપડી ગઈ હતી. ઇબેરિયાના પ્રવક્તા અનુસાર, 'ફ્લાઇટ્સ ક્યારે ફરીથી શરૂ કરવી તે નક્કી કરવા માટે પહેલા સ્થિતિ જોવામાં આવશે.' કોપા એરલાઇન્સ અને વિંગોએ શનિવારે મેક્વેટિયાથી તેમની ફ્લાઇટ્સ ચાલુ રાખી હતી.
તો શું માદુરોને હટાવશે ટ્રમ્પ?
ન્યૂઝ એજન્સી રોયટર્સે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન આવનારા દિવસોમાં વેનેઝુએલા સાથે જોડાયેલા ઓપરેશનનો એક નવો તબક્કો શરૂ કરવા જઈ રહ્યું છે. જોકે, દેશો વચ્ચે યુદ્ધની કોઈ ખુલ્લી જાહેરાત થઈ નથી. રોયટર્સ અનુસાર બે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધના નવા એક્શનમાં કદાચ ગુપ્ત ઓપરેશન પણ સામેલ હશે. જે વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે તેમાં વેનેઝુએલાના નેતાને હટાવવાનો પણ સમાવેશ થાય છે.