)
Israel Hamas War : તાજેતરમાં ઇઝરાયલે ગાઝાની એ શાળા પર હુમલો કર્યો હતો જ્યાં બેઘર પરિવારોએ આશરો લીધો હતો. આ હુમલામાં 37 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાઝાની શેરીઓમાં ફક્ત કાટમાળ અને વિનાશ જ દેખાય છે. ઇઝરાયલી લડાકુ વિમાનોએ હવાઈ હુમલામાં રફા બ્રિગેડના મહત્વપૂર્ણ આતંકવાદી નાસીર મુસાને ઠાર કર્યો હતો.
મુસા હમાસના આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને ઇઝરાયલમાં ઘણા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ હતો. આ ઉપરાંત, ઇઝરાયલી સેનાએ ખાન યુનિસમાં તે ઇમારતને પણ નિશાન બનાવી હતી, જેનો ઉપયોગ હમાસે રોકેટ સંગ્રહ કરવા માટે કર્યો હતો.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમની સેનાને ગાઝા પટ્ટી પર કબજો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેમણે કહ્યું છે કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને બંધકોને કોઈપણ કિંમતે છોડાવવામાં આવશે. જોકે, વિશ્વના ઘણા દેશો આ કાર્યવાહીને ગાઝાના અંતની નિશાની તરીકે માની રહ્યા છે. તો ઘણા દેશોએ ઇઝરાયલ સામે કાર્યવાહી કરી છે અને પેલેસ્ટાઇન રાજ્યને પણ માન્યતા આપી છે.
મૃત્યુનો આંકડો ભયાનક
હાલમાં ગાઝામાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. છેલ્લા બે વર્ષમાં 61,827 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ ઉપરાંત 1,55,275 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 51 લોકોએ જીવ ગુમાવ્યા અને 369 ઘાયલ થયા છે. ઇઝરાયલી હુમલાનું સૌથી મોટું ટાર્ગેટ તે શાળા હતી જ્યાં વિસ્થાપિત પરિવારોએ આશ્રય લીધો હતો. આ બોમ્બ ધડાકા પછી મહિલાઓ અને બાળકોના મૃતદેહ પરિસરમાં વિખેરાયેલા જોવા મળ્યા હતા.
બંધકોને મુક્ત કરવાની માંગ
ઇઝરાયલમાં બંધકોને મુક્ત કરવાની માંગ વધુ મજબૂત બની રહી છે. હજારો લોકો પોસ્ટરો અને બેનરો સાથે તેલ અવીવની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. તેમણે સરકારને તેમના પ્રિયજનોને સુરક્ષિત રીતે પાછા લાવવાની અપીલ કરી હતી. બંધક બનાવાયેલા નેપાળી નાગરિકની બહેને કહ્યું, "લગભગ બે વર્ષ વીતી ગયા છે પણ કોઈ માહિતી મળી નથી. સતત ભૂખ્યા અને ઘાયલ અવસ્થામાં જીવિત રહેવું અશક્ય છે. કોઈ 680 દિવસ સુધી નર્કમાં કેવી રીતે ટકી શકે?"
એક પ્રદર્શનકારીએ કહ્યું, "હું દર શનિવારે અહીં આવું છું. સૌ પ્રથમ અમે એવા પરિવારો સાથે ઉભા છીએ જેમના પ્રિયજનોને લગભગ બે વર્ષથી બંધક બનાવવામાં આવ્યા છે. બીજું, અમે અમારી સરકાર વિરુદ્ધ ઉભા છીએ. અમને આ સરકાર ખૂબ જ ખરાબ લાગે છે. અમે ઇચ્છીએ છીએ કે તે જાય જેથી આપણે ફરીથી મજબૂત ઇઝરાયલ બનાવી શકીએ.'' ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયલમાં આ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
ગાઝામાં યુદ્ધવિરામની માંગ
વર્ષ 2023માં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 1,200 લોકો માર્યા ગયા. એટલું જ નહીં, 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અડધાથી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ લગભગ 20 બંધકો હજુ પણ જીવંત હોવાનું જાણવા મળે છે. આ જ કારણ છે કે રસ્તાઓ પર પ્રદર્શનકારીઓનો ગુસ્સો સતત વધી રહ્યો છે અને લોકો યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે.