India Vs Pakistan: ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીન અને પાકિસ્તાનના આતંકવાદને લઈને બેવડા માપદંડ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સામુહિક રીતે એ દેશો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે તેના દ્વારા રાજનીતિક રીતે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી બ્રિફિંગમાં તેમણે કહ્યું કે આપણે ન્યૂયોર્કનું 9/11 કે મુંબઈનું 26/11 ફરી થવા દઈ શકીએ નહીં. ત્યારબાદ જયશંકરે પ્રેસના સવાલોના જવાબ પણ આપ્યા અને પાકિસ્તાની રિપોર્ટરની બોલતી બંધ કરી દીધી. વાત જાણે એમ છે કે પત્રકારોના સવાલોના જવાબ આપવાના એક સત્રમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને એક પ્રશ્ન પૂછ્યો. પાકિસ્તાની પત્રકારનો સવાલ દક્ષણ એશિયામાં આતંકવાદને લઈને હતો. ભારતીય વિદેશમંત્રીએ આ સવાલનો જવાબ અગ્નિ-5 મિસાઈલ જેવી મારક ક્ષમતા જેવો આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની પત્રકારે પૂછ્યો સવાલ
પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે દક્ષિણ એશિયાએ ક્યાં સુધી આ આતંકવાદ ઝેલવો પડશે જે નવી દિલ્હી, કાબુલ, અને પાકિસ્તાનથી ફેલાઈ રહ્યો છે? આ પ્રશ્ન પર નજર ફેરવીએ તો પાકિસ્તાની પત્રકારે આતંકવાદ ફેલાવનારાઓની યાદીમાં ભારતને પણ સામેલ કરવાની કોશિશ કરી પરંતુ પત્રકારની આ હરકત અને તેના એજન્ડાને જયશંકરે ઓળખી કાઢ્યો. તેમણે કહ્યું કે પહેલા તેઓ આતંકવાદ પર જવાબ લઈ લે. જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહ્યું કે તેમણે આતંકવાદ પર પાકિસ્તાનના મંત્રીને સવાલ કરવો જોઈએ, ભારતના મંત્રીને નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાન દુનિયાનું ધ્યાન ભટકાવવાની ગમે તેટલી કોશિશ કરે પરંતુ હવે દુનિયા તેની વાતોમાં આવશે નહીં કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે આતંકવાદની જનની કોણ છે. 


પાકિસ્તાની પત્રકારની ગુગલીનો જડબાતોડ જવાબ
જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહ્યું કે, 'તમને ખબર હોવી જોઈએ કે તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો કે આખરે આ બધુ ક્યાં સુધી ચાલશે. તમારે પાકિસ્તાનના મંત્રીને એ પૂછવું જોઈએ કારણ કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદનો સહારો લેતું રહેશે એ તો એ જ જણાવી શકશે. આખરે દુનિયા મુરખ નથી અને ન તો કઈ ભૂલે છે. દુનિયા આતંકવાદમાં સંડોવાયેલા દેશો, સંગઠનો અને લોકોની ઓળખ સારી પેઠે કરી શકે છે. તમે ચર્ચાને નવા નવા વળાંક આપીને આતંકવાદ પર પડદો નાખવામાં સફળ થઈ શકશો નહીં. તમે કોઈને પણ હવે ગૂંચવણમાં રાખી શકશો નહીં. લોકોએ બરાબર રીતે સમજી લીધુ છે કે આતંકવાદનો ગઢ ક્યાં છે. આથી મારી સલાહ છે કે કૃપા ઢંગથી કામ કરો અને સારા પાડોશી બનવાની કોશિશ કરો, કૃપા કરીને એ કરો જે આજે દુનિયા કરી રહી છે- આર્થિક વિકાસ, પ્રગતિ, વિકાસ, આશા રાખુ છું કે તમારી ચેનલ દ્વારા આ સંદેશ ત્યાં (પાકિસ્તાનને) પહોંચી જશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube