Americaના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે

Americaના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે
  • અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે આજે લેશે શપથ
  • કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો આ સમારોહ ઓનલાઈન જોઈ શકશે

ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વની મહાસત્તા અમેરિકા (America) ને આજે તેના નવા રાષ્ટ્રપતિ મળશે. નવા રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હૈરિસ (Kamala Harris) શપથ લેશે. વોશિંગ્ટન ડીસીની રાજધાની ઈમારતમાં શપથવિધિ કાર્યક્રમ થશે. વોશિંગ્ટન ડીસીમાં 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડન શપથ લેશે. શપથ લીધા બાદ જો બાઈડન અમેરિકનોને સંબોધન કરશે. 'અમેરિકા યૂનાઈટેડ'ની થીમ પર સમગ્ર શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કોરોના મહામારીના કારણે પહેલીવાર શપથ સમારોહ કાર્યક્રમમાં મોટાભાગના લોકો વર્ચ્યુઅલી હાજરી આપવાના છે.

બાઈડનની ટીમમાં 20 ભારતીયો
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈતિહાસ રચી દીધો છે. આજે  શપથ લેવા જઈ રહેલા બાઈડેને પોતાની ટીમમાં મહત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકનોને નોમિનેટ કર્યા છે. આ 20 ભારતીય-અમેરિકનોમાંથી 17 લોકો વ્હાઈટ હાઉસમાં મહત્વનું પદ સંભાળવાના છે. અમેરિકાની કુલ વસ્તીના એક ટકા ભારતીય-અમેરિકન છે અને નાના સમુદાયમાંથી કોઈ પણ સરકારમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓને અમેરિકાની સરકારમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 

હિંસાની શક્યતાને પગલે સંસદને અભેદ્ય કિલ્લામાં ફેરવાયો
બપોરે 12 કલાકે એટલે કે ભારતના સમય અનુસાર રાતના 10.30 કલાકે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. શપથવિધિ કાર્યક્રમને દરેક મોટા ટેલિવિઝન નેટવર્ક અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નિહાળી શકાશે. તો 6 જાન્યુઆરીએ સંસદમાં થયેલી હિંસાના પગલે શપથવિધિ સમારોહમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે વોશિંગ્ટન ડીસીની રાજધાની સહિત તેની આસપાસના શહેરોમાં અલર્ટ જાહેર કરી દેવાયુ છે. સંસદને અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. શપથવિધિ કાર્યક્રમમાં લેડી ગાગા અમેરિકાનું રાષ્ટ્રગીત ગાશે તો હોલિવૂડ સ્ટાર જૈનીફર લોપેઝ પણ ખાસ પર્ફોમન્સ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news