)
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન (PIA) વેચાઈ ગઈ છે. આ ડીલ 135 અબજ પાકિસ્તાની રૂપિયામાં નક્કી થઈ જે ભારતીય કરન્સીમાં લગભગ 4300 કરોડ રૂપિયા બેસે છે. પાકિસ્તાનની સરકારી એરલાઈનને આરિફ હબીબ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે ખરીદી છે. ઈસ્લામાબાદમાં થયેલી આ હરાજીને પાકિસ્તાનના ઈતિહાસની સૌથી મોટી હરાજી ગણવામાં આવી રહી છે. આરિફ હબીબનો સંબંધ મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી છે. ભાગલા બાદ પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈનની ગણતરી એક સમયે દુનિયાની ટોપ એરલાઈનમાં થતી હતી. પરંતુ ખરાબ મેનેજમેન્ટના કારણે છેલ્લા કેટલાક વર્ષથી તે મુશ્કેલીઓમાં હતી અને લાંબા સમયથી ખોટમાં ચાલતી હતી. આ હરાજીમાં ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં આરિફ હબીબ, લકી સિમેન્ટ અને એરબ્લ્યૂ સામેલ હતા. આરિફ હબીબે લકી સિમેન્ટને આકરી ટક્કર આપ્યા બાદ આ હરાજી જીતી. સરકારે તેની રેફરેન્સ પ્રાઈસીસ 100 અબજ રૂપિયા નક્કી કરી હતી. એરબ્લ્યૂએ સૌથી ઓછી 26.5 અબજ રૂપિયાની બોલી લગાવી હતી.
ડીલની વિગતો
આ ડીલ મુજબ શરૂઆતમાં પીઆઈએના 75 ટકા શેર વેચવામાં આવશે. હરાજી જીતનારી કંપનીને આગામી 90 દિવસની અંદર બાકી બચેલા 25 ટકા શેર ખરીદવાના રહેશે. આ વેચાણથી મળતા પૈસામાંથી 92.5% પૈસા એરલાઈનને સારી રીતે બનાવવામાં લગાવવામાં આવશે. જ્યારે બાકી બચેલા 7.5% પૈસા સરકારને મળશે. આરિફ હબીબે આગામી પાંચ વર્ષમાં પીઆઈએમાં 80 અબજ રૂપિયાનું વધારાનું રોકાણ કરવાનું રહેશે. સરકારે ગત વર્ષે એલરાઈનના 654 અબજ રૂપિયાનું ભારી દેવું પોતાના પર લીધુ હતું જેથી કરીને તેના વેચાણને વધુ આકર્ષક બનાવી શકાય.
પીએમ શહબાજ શરીફે આ વેચાણની પારદર્શકતાના વખાણ કર્યા અને કહ્યું કે પાકિસ્તાનના ઈતિહાસની મોટી ડીલ હશે. ગત વર્ષે પણ આ એરલાઈનને વેચવાની કોશિશ થઈ હતી જે નિષ્ફળ રહી હતી. આખરે આરિફ હબીબ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે ખરીદી લીધી. આરિફ હબીબના ફાઉન્ડર આરિફ હબીબ એક સફળ બિઝનેસમેન છે. તેમનો બિઝનેસ ફાઈનાન્શિયલ સર્વિસીસ, રિયલ એસ્ટેટ, સીમેન્ટ, ફર્ટિલાઈઝર, એનર્જી અને સ્ટીલ સુધી ફેલાયેલો છે. આ સાથે જ આ ગ્રુપ ચેરિટી માટે પણ જાણીતુ છે.
ગુજરાત સાથે કનેક્શન
આરિફ હબીબનો પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં રહેતો હતો. અહીં તેમનો ચાનો વેપાર હતો પરંતુ દેશના ભાગલા પડ્યા બાદ તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચી જતો રહ્યો. આરિફ હબીબનો જન્મ કરાચીમાં જ થયો હતો. તેમણે કરાચી સ્ટોક એક્સચેન્જમાં એક સ્ટોકબ્રોકર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની રોકાણની રણનીતિ અલગ જ રહી છે. તેઓ સરકારી કંપનીઓમાં ભાગીદારી ખરીદે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની પોતાની સંપત્તિ 500 મિલિયન ડોલરની આસપાસ છે. તેઓ પાકિસ્તાનના ધનિકોની યાદીમાં 18માં નંબરે આવે છે.