)
Operation Sindoor: ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે, ભારતીય હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા છે.
આ હુમલા પછી દુઃખી મસૂદ અઝહરે કહ્યું કે, સારું હોત કે આ હુમલામાં હું પણ મરી ગયો હોત. જૈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું કે, "મૌલાના મસૂદ અઝહરની મોટી બહેનની સાથે મૌલાના કશફનો આખો પરિવાર માર્યો ગયો છે અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેમની મોટી પુત્રીના ચાર બાળકો ઘાયલ થયા છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે."
એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોને આજે દફનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. જેમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પંજાબમાં વહાવલપુર પણ સામેલ છે. એક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે, 'ભારતની કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને બિન-ઉશ્કેરણીજનક રહી છે.' તેમણે કહ્યું કે, પહેલગામ હુમલો અત્યંત બર્બરતાપૂર્ણ હતો.
મોડી રાત્રે ચલાવ્યું ઓપરેશન
આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોએ 6-7 મે 2025 ની રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની વચ્ચે 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું. તેમણે કહ્યું કે, "આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ન તો લશ્કરી ઠેકાણાઓ કે ન તો સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને સંપૂર્ણપણે નાશ કરવામાં આવી હતી."
આ પહેલા રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, "ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું યોજના બનાવવામાં આવી અને નિર્દેશન કરવામાં આવતું હતું. કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા."