US attack Iran : પાકિસ્તાને એક દિવસ પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની હિમાયત કરી હતી. પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે ટ્રમ્પે 2025માં ભારત સાથેના આપણા યુદ્ધને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. ત્યારે હવે પાકિસ્તાન ઈરાન પર અમેરિકાના હુમલાની નિંદા કરી કહ્યું છે.

US attack Iran : પાકિસ્તાને ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની નિંદા તો કરી જ છે સાથે એમ પણ કહ્યું છે કે તેહરાનને સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. અગાઉ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ કર્યું હતું. આ પછી અમેરિકાને પાકિસ્તાન તરફથી સમર્થનની અપેક્ષા હતી, પરંતુ આ ઉલટું થયું. પાકિસ્તાને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન માન્યું છે.
પાકિસ્તાન દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો હુમલો ખોટો છે. તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈરાનને સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે.'
ગયા મહિને ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રાજદ્વારી હસ્તક્ષેપનો દાવો કરનારા યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કર્યાના એક દિવસ પછી અને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેમને ટેકો આપ્યાના એક દિવસ પછી પાકિસ્તાને પોતાનું વલણ બદલ્યું છે. પાકિસ્તાને ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના લશ્કરી હુમલાઓની આકરી ટીકા કરી છે.
તમને જણાવી દઈએ કે અમેરિકાએ રવિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ મુખ્ય સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો, જેમાં તેહરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા જેથી તેની ક્ષમતાઓ ઓછી થઈ શકે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે આ ક્ષેત્રમાં તણાવ વધુ વધવાની શક્યતા અંગે ખૂબ ચિંતિત છીએ. ઈરાન સામે ચાલી રહેલા આક્રમણને કારણે તણાવ અને હિંસામાં અભૂતપૂર્વ વધારો અત્યંત ચિંતાજનક છે. તણાવમાં વધુ વધારો થવાથી પ્રદેશ અને તેનાથી આગળના દેશો માટે ગંભીર નુકસાનકારક અસરો થશે. આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને ઈરાનને યુએન ચાર્ટર હેઠળ પોતાનો બચાવ કરવાનો કાયદેસર અધિકાર છે."