)
કાઠમંડુઃ નેપાળમાં Gen-Z ના વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ ઉગ્ર બનેલી છે. યુવાઓના વિરોધ પ્રદર્શનને કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. ઓલીના રાજીનામા બાદ અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે ઓલી દુબઈ જતાં રહ્યાં તો કોઈ દાવો કરી રહ્યું છે કે ઓલી ચીનમાં છે.
પરંતુ હવે ખુદ કેપી શર્મા ઓલીએ આ ચર્ચાઓ પર વિરામ લગાવતા સ્પષ્ટ કર્યુ કે તેઓ ન દુબઈમાં છે, ન ચીન, પરંતુ હાલ શિવપુરીમાં નેપાળી સેનાના સુરક્ષા ઘેરામાં રહે છે. ઓલીએ ફેસબુક પર એક પત્ર શેર કર્યો છે, જેમાં તેમણે જનતા ખાસ કરી યુવાઓને સંબોધિત કર્યાં છે. પત્રમાં તેમણે લખ્યું કે તેઓ સેનાના જવાનો વચ્ચે સુરક્ષિત છે અને આ સન્નાટામાં પણ બાળકો અને યુવાઓને યાદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે બાળકોનું માસૂમ હાસ્ય અને સ્નેહ હંમેશા રોમાંચિત કરે છે.
આંદોલનને ષડયંત્ર ગણાવ્યું
પત્રમાં ઓલીએ પોતાની અંગત પીડાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ દરમિયાન સત્તાની યોજનાઓને કારણે તે પોતાના સંતાનથી વંચિત રહી ગયા. પરંતુ પિતા બનવાની ઈચ્છા ક્યારેય ખતમ ન થઈ. તેમણે તે પણ યાદ અપાવ્યું કે 1994મા જ્યારે તેઓ ગૃહમંત્રી હતા, ત્યારે તેમના કાર્યકાળમાં સરકાર તરફથી એકપણ ગોળી ચાલી નથી.
ઓલીએ વર્તમાન આંદોલનના યુવાઓને સાચો અવાજ નહીં, પરંતુ એક ષડયંત્ર ગણાવ્યું. તે અનુસાર સરકારી ઓફિસોમાં આગજની, જેલમાંથી કેદીઓને છોડાવવા જેવા પગલાં કોઈ સામાન્ય પ્રદર્શનનો ભાગ ન હોઈ શકે. તેમણે ચેતવ્યા કે જે લોકતાંત્રિક વ્યવસ્થાને સંઘર્ષ અને બલિદાનથી હાસિલ કરવામાં આવી છે, આજે તેને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પોતાના ઘણા નિર્ણયનો કર્યો ઉલ્લેખ
પોતાના સ્વભાવને જિદ્દી ગણાવતા ઓલીએ લખ્યું કે જો તેઓ અડિગ ન રહ્યાં હોત તો અત્યાર સુધી હાર માની ગયા હોત. તેમણે સોશિયલ મીડિયા કંપનીઓ પર નિયમ લાગૂ કરવાથી લઈને લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેતાળનો ભાગ ગણાવવાથી લઈને ઘણા નિર્ણયને પોતાની જીદનું પરિણામ ગણાવ્યું. ત્યાં સુધી કે ભગવાન શ્રીરામનો જન્મ નેપાળમાં થયો હતો, આ પણ તેમણે જીદ કરી કહ્યું. પત્રના અંતમાં ઓલીએ સ્પષ્ટ કર્યું કે તેમના માટે પદ અને પ્રતિષ્ઠાથી વધુ મહત્વપૂર્ણ દેશની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા લોકોને બોલવા, ચાલવા અને સવાલ કરવાનો અધિકાર આપે છે અને તેને બચાવવી તેમના જીવનનો ઉદ્દેશ્ય છે.