)
Larry Ellison Networth: દુનિયાના સૌથી અમીર અબજોપતિ હવે ટેસ્લાના એલોન મસ્ક નહીં, પરંતુ ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન છે. એલિસનની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને તેમની કુલ સંપત્તિ 395.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ સાથે એલિસન દુનિયાના અબજોપતિઓની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે. જ્યારે ટેસ્લાના માલિક એલોન મસ્ક બીજા સ્થાને સરકી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, એલોન મસ્ક વર્ષ 2021માં પ્રથમ વખત દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી ટોપ પર રહ્યા, પરંતુ બાદમાં અલગ અલગ પ્રસંગોએ એમેઝોનના જેફ બેઝોસ અને LVMHના બર્નાર્ડ આર્નોલ્ટે તેમને પાછળ છોડ્યા હતા. ઘણા ઉતાર-ચઢાવ પછી એલોન મસ્ક ફરી એકવાર ટોપ પર પહોંચ્યા અને લગભગ એક વર્ષ સુધી બન્યા રહ્યા.
સંપત્તિમાં વધારો થવાનું કારણ
ફોર્બ્સના રીઅલ-ટાઇમ બિલિયોનેર રેન્કિંગ અનુસાર બુધવારે એલિસનની કુલ સંપત્તિ 395 અબજ ડોલરને પાર પહોંચી ગઈ. આ વધારો ઓરેકલના શેરમાં ઐતિહાસિક તેજી પછી જોવા મળ્યો છે. નોંધનીય છે કે, બુધવારે ઓરેકલના શેરમાં 41%નો વધારો થયો હતો, જે 1992 પછીનો સૌથી મોટો વધારો છે. ઓરેકલનું બજાર મૂલ્યાંકન હવે 947 અજબ ડોલર સુધી પહોંચી ગયું છે. આ વધારો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે કંપનીનું સંપૂર્ણ ધ્યાન તેના ક્લાઉડ બિઝનેસ પર છે અને તેણે તાજેતરમાં આક્રમક દૃષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો છે.
કોણ છે લેરી એલિસન?
81 વર્ષીય લેરી એક અમેરિકન ઑન્ટ્રપ્રનર છે જેમણે ઓરેકલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. તેમનું પૂરું નામ લોરેન્સ જોસેફ એલિસન છે. તેમણે શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, પરંતુ ડિગ્રી પૂર્ણ કર્યા વિના જ અભ્યાસ છોડી દીધો હતો. 1977માં લેરીએ બોબ માઇનર અને એડ ઓટ્સ સાથે મળીને સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબોરેટરીઝ (SDL)ની સ્થાપના કરી, જે બાદમાં ઓરેકલ કોર્પોરેશન બની ગઈ.
ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે જાણીતી કંપની છે, જેનો ઉપયોગ દુનિયાભરમાં વ્યાપકપણે થાય છે. એલિસને લાંબા સમય સુધી કંપનીના CEO તરીકે સેવા આપી હતી અને હવે તે તેના ચેરમેન અને ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) છે.