)
Lockdown in PoK: રવિવારે રાત્રે એશિયા કપ ફાઇનલમાં એક તરફ ભારતે પાકિસ્તાનને હરાવ્યું તો પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) અત્યાર સુધીના સૌથી મોટા વિદ્રોહની તૈયારી ચાલી રહી છે. પીઓકેની અવામી એક્શન કમિટી (AAC) એ સોમવાર (29 સપ્ટેમ્બરે) પાકિસ્તાન અધીકૃત કાશ્મીરમાં મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી શરૂ કરી છે. શટર ડાઉન અને ચક્કા જામ હડતાલનું નામ આપવામાં આવી રહ્યું છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હડતાલ અનિશ્ચિતકાળ સુધી ચાલી શકે છે. તેવામાં પાકિસ્તાની સરકારે મોટા પાયે આ વિસ્તારમાં સુરક્ષાદળોને તૈનાત કર્યાં છે. મોડી રાતથી અહીં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
PoK માં છેલ્લા ઘણા સમયથી સક્રિય અવામી એક્શન કમિટીની લોકપ્રિયતા તાજેતરમાં ખૂબ વધી છે. આ પીઓકેમાં રહેતા નાગરિકોના સમાજનું એક ગઠબંધન છે. આ સંગઠને તેના બેનર હેઠળ હજારો લોકોને એકત્ર કર્યા છે, જે દાયકાઓથી ચાલી આવતી રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને આર્થિક ઉપેક્ષાને ઉજાગર કરે છે. આ જૂથે 38-મુદ્દાનો ચાર્ટર જારી કર્યો છે જેમાં અનેક માળખાકીય સુધારાઓની માંગ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત પીઓકે વિધાનસભામાં 12 વિધાનસભા બેઠકોને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે.
સ્થાનીક લોકોની સરકાર પાસે માંગ
સ્થાનીક લોકોનું કહેવું છે કે આ અનામત સીટોની હાજરી પ્રતિનિધિ શાસનને નબળું બનાવે છે. ચાર્ટરમાં અન્ય મુખ્ય માંગમાં સબસિડીવાળા લોટની ઉપલબ્ધતા, મંગળા જળવિદ્યુત પરિયોજના સાથે જોડાયેલા વીજળીના દરોને વ્યાજબી બનાવવા અને ઇસ્લામાબાદ દ્વારા લાંબા સમયથી કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવાનું સામેલ છે.
સરકાર અને સેના બંને એલર્ટ મોડ પર
પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં રાખવા માટે પાકિસ્તાની સરકાર અને સેના બંને એલર્ટ મોડ પર છે. શનિવારે અધિકારીઓએ પીઓકેના ઘણા શહેરોમાં ફ્લેટ માર્ચ કાઢી. આ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે શું પીઓકે પાકિસ્તાનના કબજામાંથી આઝાદ થઈ જશે. નાગરિકોના વિરોધને જોતા પાકિસ્તાન સરકારે ઘણા પ્રતિબંધ લાગૂ કર્યાં છે અને ભારે સંખ્યામાં જવાનોને તૈનાત કર્યાં છે. આ સ્થિતિ સ્થાનીક અસંતોષ અને સુરક્ષા એજન્સીઓની કડકાઈ વચ્ચે વધતા તણાવને દર્શાવે છે.
મુખ્ય શહેરોમાં સેનાની ફ્લેગ માર્ગ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં સૈનિકોને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય શહેરોમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી, જ્યારે પોલીસે શનિવાર અને રવિવારે આ શહેરોમાં જતા મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે સીલ કરી દીધા હતા. સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે. ધ ડોનના અહેવાલ મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટ મુદાસિર ફારૂકે જણાવ્યું હતું કે શાંતિ જાળવવી એ નાગરિકો અને વહીવટ બંનેની સામૂહિક જવાબદારી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિરોધ પ્રદર્શનો અને અશાંતિને કારણે પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.