)
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. પીએમ મોદી જાપાનની મુલાકાતે છે અને 31 ઓગસ્ટે ચીનની પણ મુલાકાત લેશે. આ દરમિયાન ક્રેમલિન દ્વારા પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ કરવામાં આવી છે. બન્ને દેશો વચ્ચેની મિત્રતા આખી દુનિયા જાણે છે અને તાજેતરમાં ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ પણ લગાવ્યો છે. આવી સ્થિતિમાં પુતિનની આ મુલાકાત ખૂબ જ ખાસ બની ગઈ છે.
અમેરિકાએ ભારત પર લગાવ્યો વધારાનો 25 ટકા ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી દ્વારા રશિયન તેલની ભારે ખરીદીની સજા તરીકે ભારતીય માલ પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. જેના પછી ભારત પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ (Truth Social) પર ટિપ્પણી કરી કે, ભારત માત્ર 'Russian Oil' જ ખરીદી રહ્યું નથી, પરંતુ તેને ખુલ્લા બજારમાં મોટા નફામાં વેચી રહ્યું છે, જેનાથી રશિયાના યુદ્ધ પ્રયાસોને પરોક્ષ રીતે આર્થિક રીતે ટેકો મળી રહ્યો છે.
રશિયા-ભારત સંબંધો
રશિયાની ઊર્જા (તેલ અને ગેસ)માંથી થતી આવક તેના સરકારી બજેટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રશિયા ભારતને શસ્ત્રોનો મોટો સપ્લાયર પણ છે અને બન્ને દેશો વચ્ચેની મિત્રતા સોવિયેત યુગથી ચાલી આવે છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમી દેશોએ રશિયાની આવક ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રશિયાએ યુરોપને બદલે ભારત અને ચીન જેવા દેશોને તેલ વેચવાનું શરૂ કર્યું, જેનાથી તેને અબજો ડોલરની કમાણી થતી રહી.
ભારતે શું કહ્યું?
ભારતનું કહેવું છે કે, તેમણે રશિયા પાસેથી તેલ એટલા માટે ખરીદ્યું કારણ કે યુદ્ધ પછી તેના પરંપરાગત સપ્લાયર્સ યુરોપની તરફ ચાલ્યા ગયા હતા. સાથે જ અમેરિકાના ટેરિફ અંગે ભારતે કહ્યું કે, અમે તે જ નિર્ણય લઈશું, જે દેશના હિતમાં હશે. પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ ભારતના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિત સાથે કોઈપણ પ્રકારના બાંધછોડ નહીં કરે, ભલે તે તેમને ખૂબ ખર્ચાળ પડે.
પુતિને ઘટાડ્યા વિદેશ પ્રવાસ
નોંધનીય છે કે, યુક્રેન પરના હુમલા પછી પુતિને વિદેશ પ્રવાસો ઘણા ઘટાડી દીધા છે. આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC)એ તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું છે. જો કે, ભારત ICCનું સભ્ય નથી, તેથી અહીં પુતિનની ધરપકડ થઈ શકતી નથી.