Luna 25 Crashed Reason: 11 ઓગસ્ટના રોજ રશિયાના લૂના 25 એ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે ઉડાણ ભરી હતી. જો બધુ  ઠીક રહ્યું હોત તો ભારતના ચંદ્રયાન 3ના લેન્ડિંગના એક બે દિવસ પહેલા જ તે ચંદ્રની સપાટી પર ઉતરી ગયું હોત પરંતુ તે પહેલા ક્રેશ થઈ ગયું. લુના 25ના ક્રેશ થવાના સમાચારે 2019ની એ ઘટનાને યાદ અપાવી દીધી જ્યારે ભારતનું ચંદ્રયાન 2 મિશન લેન્ડિંગમાં સફળ થઈ શક્યું નહતું. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડિંગ થઈ હતી. હવે સવાલ એ છે કે રશિયા જેને અંતરિક્ષ વિજ્ઞાનનો માસ્ટર માનવામાં આવે છે તેના મિશનમાં ક્યારે, કેવી રીતે અને કઈ  ખામી આવી કે જેનાથી લૂના 25 ચંદ્રની સપાટી પર ઉતરી શક્યું નહીં. અત્રે જણાવવાનું કે ચંદ્રની નજીક પહોંચીને લૂના 25 પોતાના રસ્તેથી ભટકી ગયું અને ક્રેશ થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તો ભટક્યું અને લૂના 25 થયું ક્રેશ
રશિયન સ્પેસ એજન્સીનું માનવું હતું કે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ લૂના 25 પોતાનો હેતુ સાંધવામાં સફળ થશે. હવે જ્યારે લૂના 25 ક્રેશ થઈ ચૂક્યું છે તો બધાના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ક્રેશ થવા પાછળ કારણ શું હતું. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે તે ખાસ કારણનો પણ ઉલ્લેખ કર્યો. રોસકોસમોસના જણાવ્યાં મુજબ માનવરહિત રોબોટ લેન્ડર ચંદ્રની ખુબ નજીક પહોંચીને અનિયંત્રિત થઈ ગયું અને તેના કારણે ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગયું. લૂના 25 વિશે કહેવાતું હતું કે તે ચંદ્રયાન 3ના લેન્ડિંગના બે દિવસ પહેલા એટલે કે 21 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું પરંતુ 19 ઓગસ્ટે આ દુર્ઘટના ઘટી.આ પ્રકારે લૂના 25 ચંદ્રયાન 3 સામે હારી ગયું. 


રશિયા માટે મોટો ઝટકો
ચંદ્રની સપાટી પર પહોંચવા માટે 47 વર્ષ બાદ લૂના 25ને રશિયાએ લોન્ચ કર્યું હતું. અનેક રીતે લૂના 25 ચંદ્રયાન 3થી સારું ગણાવવામાં આવી રહ્યું હતું. જેમ કે લૂનાનું વજન માત્ર 1750 કિલો હતું. ઓછું વજન તેની મોટી ખાસિયત ગણાવવામાં આવી રહી હતી. ઓછા વજનના કારણએ તે ચંદ્રની સપાટી તરફ સીધુ આગળ વધી રહ્યું હતું. જ્યારે ચંદ્રયાન 3 વજનના કારણે ઘૂમાવદાર રસ્તાઓ દ્વારા પોતાની સફર પર જઈ રહ્યું હતું. લૂના 25 નું ક્રેશ થવું એ રશિયાની ટેક્નિકલ દક્ષતા પર સવાલ ઊભા કરવાની સાથે સાથે આર્થિક રીતે પણ રશિયાએ મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. 


ચંદ્રયાન 3ની લેટેસ્ટ અપડેટ
લૂના 25ના ક્રેશ થયા બાદ હવે બધાની નજર ચંદ્રયાન 3 પર છે કે શું થશે. તો આ તમામ શંકાઓને ઈસરોએ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઈસરોનું માનવું છે કે આપણું મિશન યોગ્ય દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના તમામ સફળ તબક્કા બાદ એ કહી શકાય કે આપણા મિશનને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશે. ચંદ્રની આ જગ્યા હંમેશા અંધારામાં ડૂબેલી રહે છે અને ખાડાના કારણે ત્યાં પાણી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઈસરોનું કહેવું છે કે આપણા મિશનથી ચંદ્રની સપાટી વિશે વધુ જાણકારી મળશે અને તેનો ફાયદો આવનારા સમયમાં થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube