)
Drone Attack on Putin's Huose: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘર પર 91 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલા અંગે રશિયાના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, સોમવારે યુક્રેનના એક ડ્રોન હુમલામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું. જો કે, રશિયાના આ દાવાને કીવે તરત જ ફગાવી દીધા છે.
નોવગોરોડ ક્ષેત્રમાં થયેલા આ કથિત હુમલા બાદ સર્ગેઈ લાવરોવે કહ્યું કે, યુક્રેન પર મોસ્કોના હુમલાને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાતચીતમાં 'રશિયાની વાતચીતની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવશે.' લાવરોવે કહ્યું કે, આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. પરંતુ રશિયન સશસ્ત્ર દળોએ વળતા હુમલા માટેના લક્ષ્યો નક્કી કરી લીધા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ દાવાને રશિયા તરફથી સંપૂર્ણપણે 'મનઘડત' ગણાવીને તાત્કાલિક ફગાવી દીધા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, આ દાવો ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની લગભગ ત્રણ કલાકની મુલાકાતના એક દિવસ પછી આવ્યો છે. જો કે, આ વાતચીતથી કોઈ મોટી સફળતા મળી નથી, પરંતુ ઝેલેન્સ્કીએ સોમવારે પહેલા કહ્યું હતું કે, બન્ને નેતાઓ શાંતિ યોજનાના લેટેસ્ટ વર્ઝન પર સહમત થયા છે કે, અમેરિકા 15 વર્ષ સુધી યુક્રેનની સુરક્ષાની ગેરંટી આપશે અને આ ગેરંટી લંબાવવાનો વિકલ્પ પણ હશે.
ઝેલેન્સ્કીએ રશિયાના દાવા પર ઉઠાવ્યા સવાલ
ઝેલેન્સ્કીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કર્યું કે, "રશિયા ફરીથી એ જ કરી રહ્યું છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ સાથેના અમારા સંયુક્ત રાજદ્વારી પ્રયાસોની સિદ્ધિઓને કમજોર કરવા માટે ખતરનાક નિવેદનોનો ઉપયોગ કરી રહ્યું છે. અમે શાંતિ સ્થાપવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું." તેમણે વધુમાં કહ્યું કે, રશિયન એર ડિફેન્સે 91 ડ્રોન તોડી પાડ્યા અને તેમણે એવો દાવો કર્યો ન હતો કે પુતિન તે સમયે ત્યાં હાજર હતા.
સોશિયલ મીડિયા પર શું બોલ્યા ઝેલેન્સ્કી?
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર લખ્યું કે, "મેં હમણાં જ @bundeskanzler મર્ઝ સાથે વાત કરી છે. સૌથી પહેલા અમે ફ્લોરિડામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ સાથે થયેલી મીટિંગના પરિણામો પર ચર્ચા કરી. મેં તેમને મુખ્ય વાતો અને ઉઠાવવામાં આવેલા જરૂરી મુદ્દા વિશે માહિતગાર કર્યા. તમારી સલાહ અને સતત કોઓર્ડિનેશન માટે આભાર, ફ્રેડરિક. સ્વાભાવિક છે કે અમે રશિયાના આજના 'ફેક ન્યૂઝ' વિશે પણ વાત કરી, જેનો ઉપયોગ મોસ્કો ડિપ્લોમેસીને કમજોર કરવા અને યુદ્ધને લાંબું ખેંચવાને યોગ્ય ઠેરવવા માટે કરી રહ્યું છે."
પુતિને આ વાત સ્વીકારવી પડશે...
પુતિને એ વાત સ્વીકારવી પડશે કે તેમણે યુદ્ધ, હુમલા અને રક્તપાત બંધ કરવો જ પડશે. યુક્રેન શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. રશિયાએ યુદ્ધ લડવાની નવી રીતો શોધવાનું બંધ કરી સુરક્ષા પુનઃસ્થાપિત કરવા વિશે વિચારવું જોઈએ. યુક્રેને તમામ પ્રસ્તાવો રજૂ કર્યા છે. શાંતિના માર્ગમાં સમર્થન માટે જર્મની, યુરોપ અને સંયુક્ત રાજ્ય અમેરિકાનો આભાર.