)
Russia Ukraine War: યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાની 28-સૂત્રીય યોજના હાલમાં જ સાર્વજનિક થઈ હતી. રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે વોશિંગ્ટનમાં યોજાયેલી બેઠક બાદ ઓક્ટોબર 2025માં આ ડોક્યૂમેન્ટ શેર કર્યા હતા, જેમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે મોસ્કોની શરતોનો ઉલ્લેખ હતો.
અમેરિકી ડોક્યૂમેન્ટમાં રશિયાનું હિત - રિપોર્ટ
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ 28-સૂત્રીય યોજના રશિયન ડોક્યૂમેન્ટમાંથી લેવામાં આવી હતી. આ સ્પષ્ટ નથી કે, ટ્રમ્પ વહીવટીતંત્રે પોતાની શાંતિ યોજના લાગુ કરવા માટે રશિયન દસ્તાવેજ પર વિશ્વાસ કેમ અને કેવી રીતે કર્યો. રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો સહિત કેટલાક વરિષ્ઠ અમેરિકી અધિકારીઓએ તેની સમીક્ષા કરી હતી. તેમનું માનવું હતું કે, મોસ્કોની માંગણીઓને યુક્રેન સંપૂર્ણપણે નકારી કાઢશે.
અમેરિકાના શાંતિ સમજૂતીમાં તે જ વાતો હતી, જે રશિયન સરકારે અગાઉ વાતચીતના ટેબલ પર મૂકી હતી. તેને રાજદ્વારી ભાષામાં 'નોન-પેપર' કહેવામાં આવે છે. તેમાં એ છૂટછાટો પણ સામેલ હતી જેને યુક્રેને નકારી કાઢી હતી, જેમ કે, પૂર્વમાં પોતાના વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ સોંપી દેવો. સૂત્રોએ જણાવ્યું કે, દસ્તાવેજ જાહેર કર્યા પછી માર્કો રુબિયોએ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે વાતચીત કરી, જેમાં 28-સૂત્રીય યોજના પર ચર્ચા કરવામાં આવી.
આ અંગે ટ્રમ્પે લખ્યું કે, "આ શાંતિ યોજનાને અંતિમ રૂપ આપવાની આશામાં મેં મારા વિશેષ દૂત સ્ટીવ વિટકોફને મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિનને મળવાનો નિર્દેશ આપ્યો છે અને તે જ સમયે સેના સચિવ ડેન ડ્રિસ્કોલ યુક્રેનિયનોને મળશે."
અમેરિકી અધિકારીઓ અને સાંસદો વચ્ચે વધી શંકા
ગયા અઠવાડિયે એક્સિઓસ દ્વારા પ્રથમ વખત શાંતિ યોજનાના રિપોર્ટ આપ્યા બાદ અમેરિકી અધિકારીઓ અને સાંસદો વચ્ચે શંકા વધી છે, જેમાંથી ઘણા લોકો આ યોજનાને રશિયન વલણની સૂચિ તરીકે જુએ છે, એક ગંભીર દરખાસ્ત તરીકે નહીં. આમ છતાં અમેરિકાએ યુક્રેન પર દબાણ કર્યું છે અને ચેતવણી આપી છે કે, જો યુક્રેન હસ્તાક્ષર નહીં કરે તો તે તેની સૈન્ય સહાય પર રોક લગાવી દેશે.
આ શાંતિ યોજનાની રૂપરેખા ગયા મહિને મિયામીમાં ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રશિયાના કિરીલ દિમિત્રિએવ વચ્ચે થયેલી એક બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વિદેશ વિભાગ અને વ્હાઇટ હાઉસની અંદર બહુ ઓછા લોકોને આ બેઠક વિશે માહિતી આપવામાં આવી હતી.