)
કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય એન્જિનિયરને પોલીસે ગોળી મારી દીધી છે. મોહમ્મદ નિઝામુદ્દીન નામના આ વ્યક્તિનો પોતાના રૂમમેટ સાથે કથિત વિવાદ થઈ ગયો હતો. તેલંગણાના નિઝામુદ્દીનના પરિવારે વિદેશ મંત્રાલયને તેનું પાર્થિવ શરીર લાવવા માટે વિનંતી કરી છે. ગોળી મારવામાં આવે તે પહેલાં, નિઝામુદ્દીને જાહેરમાં વંશીય ઉત્પીડન અને નોકરીની મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરી હતી.
મોહમ્મદ નિઝામુદ્દીને ફ્લોરિડાથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કરી રહ્યો હતો, પરંતુ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. નિઝામુદ્દીને લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા આરોપ લગાવ્યો હતો કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે અને પગારમાં પણ છેતરપિંડી થઈ છે. એટલું જ નહીં નિઝામુદ્દીને વંશીય ઉત્પીડનને લઈને પણ પોસ્ટ શેર કરી હતી.
પોલીસે નિઝામુદ્દીનને ચાર ગોળીઓ મારી
રિપોર્ટ પ્રમાણે નિઝામુદ્દીનને ચાર ગોળીઓ મારવામાં આવી હતી. સાંતા ક્લારા પોલીસના નિવેદન પ્રમાણે 911 પર ચાકૂબાજીને લઈને એક કોલ આવ્યો હતો. જાણકારી મળતા પોલીસના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે કહ્યું કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો એક વ્યક્તિ ચાકૂ સાથે ઉભો હતો. જ્યારે તેણે પોલીસની વાત ન માની તો ગોળી મારી દેવામાં આવી. નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું કે વ્યક્તિનો રૂમમેટ નીચે પડેલો હતો અને તેને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી. આ ઘટના 3 સપ્ટેમ્બરની છે.
પરિવારે વિદેશ મંત્રાલય પાસે માંગી મદદ
મજલિસ બચાવો તહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને નિઝામુદ્દીનના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેમણે યુવકના પિતા મોહમ્મદ હસનુદ્દીન અને અન્ય સંબંધીઓ સાથે વાતચીત કરી. અમજદે વિદેશ મંત્રાલયને પત્ર લખી મદદ માંગી છે. પરિવાર પાર્થિવ શરીરને ભારત લાવવા ઈચ્છે છે. તેમણે પત્રમાં લખ્યું કે આ મામલાની ગંભીરતા સાથે તપાસ થવી જોઈએ.