)
Trump U turn on Greenland India Connection: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, ગ્રીનલેન્ડ પરના પોતાના પ્લાનનો ખુલાસો કર્યો અને યુરોપિયન યુનિયન (EU)ના દેશો પર પ્રસ્તાવિત ટેરિફને હાલ પૂરતો ટાળવાની જાહેરાત કરી. ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમણે ગ્રીનલેન્ડ પર એક 'ફ્યુચર ડીલ'નું ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, તેથી તેઓ હુમલો કરીને તેને હાસિલ નહીં કરે. અત્યાર સુધી એવું લાગતું હતું કે, ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર વેનેઝુએલા જેવું વલણ અપનાવશે, પરંતુ દાવોસ જતાં જ તેમનું વલણ 360 ડિગ્રી બદલાયેલું જોવા મળ્યું. દરેકના મનમાં હવે એક જ પ્રશ્ન છે કે, આખરે ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર પોતાનું વલણ કેવી રીતે બદલ્યું?
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો યુ-ટર્નનું ભારત સાથે શું છે કનેક્શન?
દાવોસ પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO ચીફ માર્ક રુટ સાથે બેઠક કરી અને ગ્રીનલેન્ડ પર પોતાનું વલણ બદલતા યુરોપિયન દેશો પર ટેરિફ ન લગાવવાનો નિર્ણય કર્યો. તેમણે ગ્રીનલેન્ડ પર મિલિટરી એક્શનનો પણ ઇનકાર કર્યો. હવે પ્રશ્ન એ છે કે, આખરે તેમણે આ નિયર્ણ કેમ લીધો. ટ્રમ્પના આ યુ-ટર્ન પાછળની કહાનીને સમજવાનો પ્રયાસ કરી તો ભારત સાથેનું કનેકશન જોવા મળશે. ટ્રમ્પના ગ્રીનલેન્ડ મિશનને કારણે યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો. EUએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અટકાવી દીધી. સાથે જ યુરોપિયન સંસદે અમેરિકા સાથે થનારી મોટી ટર્નબેરી ટ્રેડ ડીલને પણ અટકાવી દીધી. જ્યારે બીજી તરફ EUએ ભારત સાથેની ટ્રેડ ડીલમાં તેજી લાવી દીધી. યુરોપિયન યુનિયને ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. જ્યારે ભારતમાં ટ્રમ્પની કોઈ 'દાળ ગળી નહીં', ત્યારે EUએ 'ટ્રેડ બાઝૂકા' જેવું હથિયાર કાઢ્યું જે અમેરિકા પર જ બેકફાયર કરી રહ્યું છે.
ભારત અને EU વચ્ચેની ડીલથી ટ્રમ્પ પરેશાન
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 27 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. બન્ને દેશોની વચ્ચે આ ડીલ પૂર્ણ થવાની ભારત અને યુરોપ વચ્ચે 2 અબજ લોકોનું મોટું બજાર તૈયાર થશે અને 90% જેટલો ટ્રેડ ટેરિફ ફ્રી થઈ જશે. અમેરિકા સાથે યુરોપના બગડતા સંબંધોએ 18 વર્ષથી અટવાયેલા આ ફ્રી ટ્રેડ ડીલને વેગ આપ્યો છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા, બન્ને આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ હશે. ભારત અને યુરોપની આ વધતી મિત્રતા ટ્રમ્પ માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે આ ડીલથી સૌથી મોટો ફટકો અમેરિકાને લાગવાનો છે.
ભારત-EU ડીલથી અમેરિકાને સૌથી મોટો ઝટકો
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારથી બન્ને દેશને એકબીજાના બજારોમાં સરળતાથી પ્રવેશ કરવાની મંજૂરી મળશે. બન્ને પાસે નિકાસ માટે વિશાળ બજાર હશે. આ ડીલથી ભારત માટે 27 દેશોમાં વેપાર કરવા માટે દરવાજા ખોલશે. જ્યારે તેની પાસે યુરોપિયન દેશો બાદ વિશ્વનું સૌથી મોટું ગ્રાહક બજાર હશે. ભારત-યુરોપિયન ટ્રેડિંગ પાર્ટનરશિપ અમેરિકા માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે. આ જ કારણ છે કે તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહેવામાં આવે છે. ભારત અને EU વચ્ચેની આ ડીલ અમેરિકાના પ્રભુત્વને ઘટાડશે. ટેરિફ તેને મનસ્વી પગલાં લેવાથી અટકાવશે. ભારત અને યુરોપ બન્ને અમેરિકા પરની તેમની નિર્ભરતા ઘટાડવાનું શરૂ કરશે.
યુરોપ સાથે બગડતા સંબંધોથી અમેરિકામાં વધશે મોંઘવારી
ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પની ધમકીઓને કારણે EUએ અમેરિકા સાથે ટ્રેડ ડીલને અસ્થાયી રૂપે અટકાવી દીધી. આ ડીલ સ્થગિત કરવાથી અમેરિકાને મોટું નુકસાન થઈ શકે છે. EU સાથેના ટર્નબેરી ટ્રેડ ડીલથી અમેરિકી નિકાસકારોને યુરોપમાં ઝીરો ટેરિફ પર માલ વેચવાની તક મળવાની હતી, પરંતુ તેના સસ્પેન્શનથી અમેરિકામાં મોંઘવારી વધશે. આ ડીલ સ્થગિત થવાથી અમેરિકાની કંપનીઓને યુરોપને વેચાતા માલ પર વધુ ટેરિફ ચૂકવવાની ફરજ પડશે, જેનાથી નિકાસ ઘટી શકે છે. અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારી વધી શકે છે. ચીન સાથેના ટ્રેડ મુદ્દાઓમાં પહેલેથી જ ફસાયેલ અમેરિકા યુરોપ સાથે વધુ ગડબડ કરી શકે તેમ નથી.
અમેરિકાના પીછેહઠના કારણો
અમેરિકાએ ગ્રીનલેન્ડ પર પોતાનું વલણ પાછું ખેંચી લીધું છે. ટ્રમ્પ સમજે છે કે, ટેરિફને કારણે દુનિયાભરના દેશો તેમનો વિરોધ કરી રહ્યા છે. વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યા છે. ચીન અને રશિયા જેવા દેશો આ તકનો લાભ લઈ રહ્યા છે. અમેરિકા પોતાનો પ્રભાવ ગુમાવવાના ભયનો સામનો કરી રહ્યું છે. એક તરફ રશિયા અને ચીન જેવા દેશો તેમની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરી રહ્યા છે, ત્યારે અન્ટ્રી ટ્રમ્પ વાતાવરણ બનવાથી અમેરિકાની વિશ્વસનીયતાને નબળી બનાવી રહ્યું છે. વેનેઝુએલા પછી ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો મૌખિક હુમલો નાટો અને યુએન સામે છે. તેમના નિર્ણય સામે અવાજો ફક્ત બાકીના વિશ્વમાં જ નહીં, પરંતુ અમેરિકામાં પણ વધુ જોરથી વધી રહ્યા હતા. પરિણામે ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર યુ-ટર્ન લેવાનું નક્કી કર્યું.