)
India US Trade: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સાથે વેપાર કરનાર દેશો પર 25 ટકા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે જે પણ દેશ ઈરાનની સાથે કારોબાર કરશે, તેના પર અમેરિકા ટેરિફ વધારશે. આ પગલાને ઈરાન પર આર્થિક દબાવ વધારવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઈરાનમાં છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યાં છે અને ટ્રમ્પ સતત આ પ્રદર્શનોને લઈને ઈરાન સરકારને ચેતવણી આપી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ઈરાનની સાથે વેપાર કરનાર દેશો પર 25 ટકા ટેરિફ તત્કાલ લાગૂ થશે. ટ્રમ્પના આ નિર્ણયની અસર દુનિયાના ઘણા દેશો પર પડી શકે છે, જેમાં ભારત અને ચીન પણ સામેલ છે. ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ પહેલાથી લગાવી રાખ્યો છે. તેવામાં નવો ટેરિફ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધારી શકે છે.
ભારત પર શું પડશે અસર?
ચીનને ઈરાનનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદારી માનવામાં આવે છે, પરંતુ આ નિર્ણયની અસર ભારત, સંયુક્ત અરબ અમીરાત અને તુર્કી પર પણ પડવાની સંભાવના છે. આ દેશ પણ ઈરાનના મોટા વ્યાપારિક ભાગીદારોમાં સામેલ છે.
ઈરાનમાં ભારતીય દૂતાવાસ પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25મા ભારતે ઈરાનને 1.24 અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો હતો, જ્યારે ઈરાનથી 0.44 અબજ ડોલરનો આયાત કર્યો હતો. આ રીતે બંને દેશો વચ્ચે કુલ વ્યાપાર 1.68 અબજ ડોલર (આશરે 14,000થી 15,000 કરોડ રૂપિયા) રહ્યો હતો.
કયા સામાનોનો સૌથી વધુ કારોબાર
ટ્રેડિંગ ઇકોનોમિક્સના રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ઈરાનને કરવામાં આવતી નિકાસમાં સૌથી મોટો હિસ્સો ઓર્ગેનિક કેમિકલ્સનો રહ્યો, જેની કિંમત 512.92 મિલિયન ડોલર હતી. ત્યારબાદ ખાવા યોગ્ય ફળ, મેવા, ખાટા ફળોની છાલ અને તરબૂચ આશરે 311.60 મિલિયન ડોલર રહ્યાં. તો મિનરલ ફ્યૂલ, તેલ અને ડિસ્ટિલેશન સાથે જોડાયેલા ઉત્પાદકોનો કારોબાર 86.48 મિલિયન ડોલર રહ્યો.
ભારત પર ટેરિફ લગાવી ચૂક્યું છે અમેરિકા
અમેરિકા પહેલાથી જ રશિયાથી તેલ ખરીદવાને કારણે ભારતીય સામાનો પર 50 ટકા સુધી ટેરિફ લગાવી ચૂક્યું છે. તેવામાં ઈરાનની સાથે વેપાર કરવા પર અમેરિકા ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવે છે તો તે કુલ 75 ટકા થઈ જશે. આ વધારાના ટેરિફથી બંને દેશો વચ્ચે વેપાર પ્રભાવિત થઈ શકે છે. ખાસ વાત છે કે ભારત અને અમેરિકા છેલ્લા ઘણા સમયથી એક એવી સમજુતિ પર કામ કરી રહ્યાં છે, જેનાથી ભારતને ટેરિફમાં રાહત મળે.
સુપ્રીમ કોર્ટ પર નજર
આ મામલા પર અમેરિકાની સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો નિર્ણય પણ આવવાનો છે. કોર્ટ તે નક્કી કરશે કે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલો વૈશ્વિક ટેરિફ કાયદેસર છે કે નહીં. જો કોર્ટ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપે છે તો ઈરાનના વ્યાપારિક ભાગીદારો પર ઝડપથી ટેરિફ લગાવવાની તેમની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આગામી બુધવારે આવવાની આશા છે.