)
Palestine News: અમેરિકા-ઇઝરાયેલને મોટો ઝટકો આપતા યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ રવિવારે સત્તાવાર રીતે ફિલિસ્તીનને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. આ તેમની વિદેશ નીતિમાં મોટો ફેરફાર અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેમના પરંપરાગત જોડાણથી અલગ થવાનો સંકેત છે. આ અઠવાડિયે ઘણા અન્ય યુરોપિયન દેશો અને અમેરિકાના સહયોગી પણ આ પગલાને અપનાવવાની તૈયારીમાં છે.
ફિલિસ્તીનને માન્યતા આપવા પર શું બોલ્યા સ્ટાર્મર?
ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપ્યા બાદ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, "આજે ફિલિસ્તીનીઓ અને ઇઝરાયેલીઓ માટે શાંતિની ઉમ્મીદનો દિવસ છે. બે-રાષ્ટ્ર ઉકેલને આગળ ધપાવવા માટે, યુનાઇટેડ કિંગડમ ઔપચારિક રીતે ફિલિસ્તીન દેશને માન્યતા આપે છે."
આના થોડા સમય પહેલા જ કેનેડા G-7 જૂથનો પ્રથમ દેશ બન્યો, જેણે ફિલિસ્તીનને માન્યતા આપી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ફિલિસ્તીન અને ઇઝરાયલ બન્ને માટે શાંતિપૂર્ણ ભવિષ્યનું વચન આપ્યું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે પણ એક નિવેદન જાહેર કરીને સ્વતંત્ર અને સંપ્રભુ ફિલિસ્તીન દેશની ઔપચારિક માન્યતાની જાહેરાત કરી હતી.
માન્યતાથી ફિલિસ્તીન પર શું અસર પડશે?
ત્રણ પશ્ચિમી દેશો દ્વારા માન્યતા મળતા એક પ્રતીકાત્મક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેનાથી ફિલિસ્તીનીઓને રાજદ્વારી દરજ્જો અને સંધિ કરવાના અધિકારોમાં વધારો કરી શકે છે. જો કે, તે ગાઝા પટ્ટી અથવા કબજા હેઠળના પશ્ચિમ કાંઠામાં જમીની વાસ્તવિકતાઓને મૂળભૂત રીતે બદલતું નથી, જ્યાં ઇઝરાયેલ હમાસ અને અન્ય ઇસ્લામિક આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. આતંકવાદ પર તેના કઠોર પ્રહાર અને પરિણામે થયેલા હિજરતને પશ્ચિમી મીડિયા માનવતાવાદી સંકટ તરીકે વર્ણવી રહ્યું છે.
ઇઝરાયેલ પર હમાસના ક્રૂર આતંકવાદી હુમલાઓ અને ત્યારબાદ ઇઝરાયેલી વળતા હુમલાઓએ ગાઝાના મોટા ભાગને તબાહ કરી દીધો છે. ફિલિસ્તીન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2023થી ગાઝામાં 65,000થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં હજારો બાળકો સામેલ છે. મોટાભાગની વસ્તીને વારંવાર તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ પ્રદેશમાં લાખો લોકો દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.
આ પરિસ્થિતિઓ વચ્ચે પરંપરાગત રીતે ઇઝરાયેલ સમર્થક ઘણા દેશો હવે ફિલિસ્તીનને માન્યતા આપવા તરફ પગલાં લઈ રહ્યા છે. બ્રિટને જુલાઈમાં જણાવ્યું હતું કે, જો ઇઝરાયેલી સરકાર ગાઝામાં પરિસ્થિતિ સુધારવા માટે પગલાં નહીં ભરે તો તે ફિલિસ્તીનને માન્યતા આપશે.
અમેરિકા અને ઇઝરાયેલે વ્યક્ત કરી નારાજગી
હવે, બ્રિટને સહિત કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ ફિલિસ્તીનને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. આ નિર્ણયથી બ્રિટનના નજીકના સહયોગી ઇઝરાયેલ અને અમેરિકાને નારાજ કર્યા છે. અમેરિકાનો તર્ક છે કે, ફિલિસ્તીનને માન્યતા આપવાથી ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપે છે અને હમાસને પુરસ્કૃત કરે છે, જેણે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા કર્યા હતા, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા અને આશરે 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
જ્યારે ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે X પર કહ્યું કે, "ફિલિસ્તીની રાજ્યને માન્યતા આપવી એ હમાસ માટે એક પુરસ્કાર છે, જેને યુકેમાં તેના મુસ્લિમ બ્રધરહુડ સહયોગીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે." મંત્રાલયે એવો પણ દાવો કર્યો કે, હમાસના નેતાઓએ સ્વીકાર્યું છે કે આ માન્યતા 7 ઓક્ટોબરના નરસંહારનું પ્રત્યક્ષ પરિણામ છે.