અમેરિકા-ચીન વચ્ચે ફરી શરૂ થઈ ટ્રેડ વોર, ટ્રમ્પે આપી ટેરિફ વધારવાની ધમકી; જિનપિંગ સાથેની મિટિંગ કેન્સલ
US China Trade War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ચીન પર વેપાર શુલ્કમાં ભારે વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, આગામી એશિયા પ્રવાસ દરમિયાન શી જિનપિંગને મળવાનું કોઈ કારણ દેખાતું નથી.
Trending Photos
)
US China Trade War: અમેરિકા અને ચીન વચ્ચે ફરી ટ્રેડ વોર વધવાની શક્યતા એકવાર વધી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું કે, તેમને હવે તેમના એશિયા પ્રવાસ દરમિયાન ચીની નેતા શી જિનપિંગ સાથે મુલાકાત કરવાનું કોઈ કારણ દેખાતું નથી. નોંધનીય છે કે, આ પહેલા ટ્રમ્પના એશિયા પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે મિટિંગની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને ટ્રમ્પે પોતે આ સમાચારની પુષ્ટિ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ચીન પર નિશાન સાધ્યું. ટ્રમ્પે લખ્યું કે, "આ સમયે અમે જે નીતિઓ પર વિચાર કરી રહ્યા છીએ, તેમાંની એક સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવતા ચીની ઉત્પાદનો પર ટેરિફમાં ભારે વધારો કરવામાં આવે." તેમણે વધુમાં કહ્યું કે, "આ પ્રકારે ઘણા અન્ય ઉપાય પણ છે, જેના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે."
ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ચીન દુશ્મનાવટ કરી રહ્યું છે અને ચીન ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર ચિપ્સ, લેજરો અને અન્ય ટેકનોલોજીમાં વપરાતી ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકીને દુનિયાને "બંધક" બનાવી રહ્યું છે. ટ્રમ્પે આગળ લખ્યું કે, "મેં રાષ્ટ્રપતિ શી સાથે વાત કરી નથી, કારણ કે આવું કરવાનું કોઈ કારણ નહોતું. આ ફક્ત મારા માટે જ નહીં, પરંતુ વિશ્વના તમામ નેતાઓ માટે એક વાસ્તવિક આશ્ચર્યજનક હતું."
કેમ ગુસ્સે થયા ટ્રમ્પ?
નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં પણ બન્ને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લગાવ્યો હતો, જ્યારબાદ દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું હતું. હવે ચીનના દુર્લભ ખનિજોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર અમેરિકા ગુસ્સે છે. ગુરુવારે ચીને દુર્લભ ખનિજો અને સંબંધિત ઉપકરણોની નિકાસ પર નવા પ્રતિબંધોની સાથે-સાથે ચોક્કસ લિથિયમ બેટરીઓની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. જ્યારે, ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાની ચેતવણી આપતા પહેલા અમેરિકા અને ચીને એકબીજાના જહાજો પર પોર્ટ ફી પણ વધારી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














