)
અમેરિકાએ ભારત સાથે વર્ષો જૂના વેપારી સંબંધો શું ફક્ત એક 10 રૂપિયાની વસ્તુ માટે દાવ પર લગાવી દીધા? અમેરિકાને ભારતના બજારમાં એ વસ્તુ વેચવી છે અને ભારત મંજૂરી નથી આપતું કે શું. અને બસ આટલી વાત પર ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકી દીધો? એટલું જ નહીં હવે તો જી7 દેશોને પણ ભારત પર ટેરિફ લગાવવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે દુશ્મનાવટ નિભાવવા પર ઉતરી આવ્યું છે. અમેરિકાના વાણિજ્યમંત્રી જે કહે છે તેના પરથી કઈક એવા જ સંકેત મળે છે.
અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું કે ભારત 1.4 અબજ લોકોનો દેશ હોવાનો દાવો કરે છે. પરંતુ તે અમેરિકાથી થોડા ઘણા મકાઈ પણ નહીં ખરીદે. તેમણે કહ્યું કે ભારતે પોતાના ટેરિફ ઘટાડવા પડશે નહીં તો અમેરિકા સાથે વેપાર કરવામાં તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લુટનિકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ભારત, કેનેડા અને બ્રાઝિલ જેવા મહત્વપૂર્ણ સહયોગીઓ સાથે ખુબ જ મૂલ્યવાન સંબંધોને આ દેશો પર લગાવવામાં આવેલા ટેરિફ દ્વારા ખરાબ કરી રહ્યું છે તો તેમણે કહ્યું કે, આ સંબંધ એકતરફી છે. તેઓ અમને વેચે છે અને અમારો ફાયદો ઉઠાવે છે. તેઓ અમને પોતાની અર્થવ્યવસ્થાથી રોકે છે જ્યારે અમે તેમના માટે સંપૂર્ણ રીતે ખુલ્લા છીએ.
લુટનિકે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ નિષ્પક્ષ અને આપસી વેપાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે ભારત બડાઈ હાકે છે કે તેની પાસે 1.4 અબજ લોકો છે. આટલા લોકો અમેરિકા પાસેથી એક બુશલ (લગભગ 25 કિલોગ્રામ) મકાઈ પણ નહીં ખરીદે? શું આ વાત તમને ખરાબ નથી લાગતી કે તેઓ અમને બધુ વેચે છે અને અમારી મકાઈ નથી ખરીદતા? તેઓ દરેક ચીજ પર ટેક્સ લગાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને ડ્યૂટી ઓછી કરવાનું કહ્યું છે. આ રાષ્ટ્રપતિનું મોડલ છે અને કા તો તમે તેને સ્વીકારો નહીં તો તમને દુનિયાના સૌથી મોટા ગ્રાહક સાથે વેપાર કરવામાં મુશ્કેલી પડશે.
તમે જે કરશો એ જ અમે કરીશું- લુટનિક
અમેરિકી વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ભારતે અમેરિકાના પગલાંને અયોગ્ય અને અવિવેકપૂર્ણ ગણાવ્યો છે. પરંતુ અમારા રાષ્ટ્રપતિનો સ્પષ્ટ સંદેશ છે કે ટેરિફ ઘટાડી દો નહીં તો પછી જેવું તમે કરશો એવું જ અમે તમારી સાથે કરીશું. અનેક વર્ષોથી અમે ખોટું સહન કરતા આવ્યા છે પરંતુ હવે ટેરિફ લગાવીને અમે ચીજોને પાછી ઠીક કરવા માંગીએ છીએ.
તેમણે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિનું આ જ મોડલ છે. તમે તેને સ્વીકારો નહીં તો તમારા માટે વેપાર કરવો મુશ્કેલ બનશે. જો કે દુનિયાભરના ટ્રેડ એક્સપર્ટ્સનો દાવો છે કે અમેરિકાના ટેરિફ લગાવવાનો હેતુ હજુ સુધી ક્લીયર નથી. અમેરિકા પણ કહે છે કે તે ભારત પર એટલા માટે ટેરિફ લગાવે છે કારણ કે તે અમેરિકા પર લગાવે છે. બીજી બાજુ એવો દાવો કરે છે કે ભારત રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદે છે જે પૈસાનો ઉપયોગ રશિયા યુક્રેન સામે યુદ્ધમાં કરે છે. જો કે આ દાવો પણ બરાબર નથી કરાણ કે અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરે છે.