Donald Trump Decision: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતને આપ્યો મોટો ઝટકો! વધી શકે છે તેલના ભાવ, ટેરિફ મુદ્દે નવી જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે 2 એપ્રિલ, 2025થી વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જાણો ભારત પર તેની શું અસર પડશે.
Trending Photos
US President Donald Trump On Venezuela: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર (24 માર્ચ) એ જાહેરાત કરી કે વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદનાર કોઈપણ દેશે અમેરિકા સાથે વેપાર પર 25 ટકા ટેરિફ આપવો પડશે. આ નિર્ણય અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા રાજકીય અને આર્થિક તણાવને કારણે લેવામાં આવ્યો છે.
ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે વેનેઝુએલા અમેરિકા અને અમારા તરફથી સમર્થિત સ્વતંત્રતાઓ પ્રત્યે દુશ્મની રાખે છે, તેથી કોઈપણ દેશ જે વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદે છે, તેણે અમેરિકા સાથે વેપાર પર 25 ટકા ટેરિફ આપવો પડશે.
કેમ અમેરિકાએ ભર્યું આ પગલું?
ટ્રમ્પ પ્રશાસને વેનેઝુએલા પર પહેલાથી જ અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. તેઓએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારને માન્યતા આપી નથી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે વેનેઝુએલાએ Tren de Aragua ગેંગ સહિત ગુનેગારોને અમેરિકા મોકલ્યા છે. અમેરિકી સરકારે તેને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ બધાને કારણે ટ્રમ્પ પણ વેનેઝુએલાને આર્થિક રીતે નબળું પાડવા માંગે છે.
શું ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે છે?
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર છે અને વેનેઝુએલાથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે.
વેનેઝુએલાથી ભારતના તેલ આયાતના આંકડા (2023-24):
ડિસેમ્બર 2023: ભારતે 191,600 બેરલ પ્રતિ દિવસ (BPD) તેલ ખરીદ્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: 127,000 BPD
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC): 37,000 BPD
HPCL-મિત્તલ એનર્જી: 28,000 BPD
જાન્યુઆરી 2024: ભારતની આયાત વધીને 254,000 BPD થઈ, જે વેનેઝુએલાની કુલ તેલ નિકાસના 50 ટકા હતી.
જો ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેને અમેરિકા સાથેના વેપાર પર વધારાની 25 ટકા ડ્યુટી ચૂકવવી પડી શકે છે.
ટ્રમ્પના ટેરિફનો વૈશ્વિક પ્રભાવ
ભારતને વેનેઝુએલાથી સસ્તું તેલ મળે છે. જો ટેરિફ લાગુ થાય છે તો ભારતે સાઉદી અરબ, ઇરાક કે રશિયાથી તેલ ખરીદવું પડી શકે છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી શકે છે. અમેરિકાનો આ નિર્ણય તેલની કિંમતો વધારી શકે છે. ચીન અને તુર્કિએ જેવા દેશો પર પણ અસર પડી શકે છે. વેનેઝુએલાએ નવા તેલ ખરીદનારાની શોધ કરવી પડશે.
વેનેઝુએલા અને અમેરિકાના સંબંધો બગડશે
વેનેઝુએલા પર પહેલાથી અમેરિકાના પ્રતિબંધો લાગ્યા છે. નવા ટેરિફ બંને દેશોના સંબંધ વધુ ખરાબ કરશે. ટ્રમ્પે કહ્યુ કે આ ટેરિફ 2 એપ્રિલ 2025થી લાગુ થશે. મામલા પર રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી હોમલેન્ડ સુરક્ષા, સરહદ પેટ્રોલિંગ અને અન્ય એજન્સીઓને આ નિર્ણયની જાણકારી આપી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે