Harvard University પર ટ્રમ્પ સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં હડકંપ, ભારતીય છાત્રો પર પણ થશે અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે, નવા વિદેશી વિદ્યાર્થીઓને હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે નહીં. આના કારણે, ત્યાં અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના સપના અધૂરા રહેશે.
 

 Harvard University પર ટ્રમ્પ સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં હડકંપ, ભારતીય છાત્રો પર પણ થશે અસર

વોશિંગટનઃ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી હાર્વર્ડમાં અભ્યાસ કરવાનું સપનું જોઈ રહેલા હજારો વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રએ એક મોટો નિર્ણય લેતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં નવા વિદેશી છાત્રોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયની અસર ભારત સહિત વિશ્વભરના હજારો વિદ્યાર્થીઓ પર પડશે.

ભારતમાંથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક માટે પ્રવેશ મેળવે છે. યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર દર વર્ષે 500થી 800 ભારતીય વિદ્યાર્થીઓ અહીં એડમિશન લે છે. વર્તમાનમાં યુનિવર્સિટીમાં 788 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, જેના માટે આ નિર્ણય એક ઝટકા સમાન છે.

કેમ લેવાયો આ નિર્ણય?
ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટી પર આરોપ લગાવ્યો કે તે વિદેશી વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી જાણકારી આપી રહી નથી અને યુનિવર્સિટીનો માહોલ યહૂદી વિદ્યાર્થીઓ માટે અસુરક્ષિત બની ગયો છે. હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ ક્રિસ્ટી નોએમએ પોતાના પત્રમાં કહ્યું કે હાર્વર્ડે હમાસના સમર્થકો માટે સહાનુભૂતિનો માહોલ બનાવ્યો છે, તેથી હવે 2025-2026 સત્રથી યુનિવર્સિટીમાં નવા વિદેશી વિદ્યાર્થી પ્રવેશ લઈ શકશે નહીં.

જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું શું થશે?
જો તમે પહેલાથી જ હાર્વર્ડમાં અભ્યાસ કરી રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે વિદ્યાર્થીઓ પહેલાથી જ પ્રવેશ મેળવી ચૂક્યા છે તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. જેમની ડિગ્રી આ સેમેસ્ટરમાં પૂર્ણ થઈ રહી છે તેમને સ્નાતક થવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, જે વિદ્યાર્થીઓએ હજુ સુધી તેમની ડિગ્રી પૂર્ણ કરી નથી તેમને બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવું પડશે, નહીં તો તેઓ યુએસમાં રહેવાનો કાયદેસર અધિકાર ગુમાવી શકે છે.

72 કલાકની સ્થિતિ અને દસ્તાવેજો
હાર્વર્ડને 72 કલાકની અંદર એક વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો રહેશે જેમાં વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ, શિસ્ત રેકોર્ડ અને વિરોધના વિડિયો ફૂટેજનો સમાવેશ થશે. તે પછી જ તે "સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ" હેઠળ ફરીથી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

યુનિવર્સિટીએ નોંધાવ્યો વિરોધ
હાર્વર્ડ યુનિવર્સિટીએ સરકારના આ નિર્ણયને ગેરકાયદેસર અને રિસર્ચના માહોલને નુકસાન પહોંચાડનાર ગણાવ્યો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે તે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર છે અને કોઈપણ પ્રકારની નફરત કે હિંસાને પ્રોત્સાહન આપતી નથી. 

આ નિર્ણય બાદ હવે હજારો વિદેશી વિદ્યાર્થીઓએ પોતાના સપનાની દિશા બદલવી પડી શકે છે. ભારત જેવા દેશના વિદ્યાર્થીઓ માટે એક ભાવનાત્મક ફટકો છે, કારણ કે હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ ઘણા યુવાઓ માટે સપનું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news