)
Trump 25 % Tariff on Iran: વેનેઝુએલા બાદ ઈરાનનો જાણે વારો હોય એવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને આક્રમક જોવા મળી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલય સોમવારે 12 જાન્યુઆરી 2026એ એક ઈમરજન્સી એલર્ટ બહાર પાડીને ઈરાનમાં હાજર તમામ અમેરિકનોને તાબડતોબ ઈરાન છોડવાનો આદેશ આપ્યો છે. આ પગલું ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષાદળોને ઘાતક કાર્યવાહી બાદ લેવાયું છે. જેમાં અત્યાર સુધીમાં કથિત 500થી વધુ લોકોના મોત અને હજારો ધરપકડ થઈ છે.
અમેરિકી સરકારે ચેતવણી આપી છે કે અમેરિકી નાગરિકો, ખાસ કરીને બેવડી નાગરિકતા ધરાવતા લોકોની ત્યાં મનમાની રીતે ધરપકડ, પૂછપરછ અને ઉત્પીડનનું જોખમ છે. ઈરાનની સરકારે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક બંધ કર્યું છે. જેનાથી કોમ્યુનિકેશન ઠપ્પ થયું છે. અનેક ઈન્ટરનેશનલ એરલાઈન્સે 16 જાન્યુઆરી સુધી પોતાની ફ્લાઈટ્સ રદ કરી છે. જેના કારણે અમેરિકાએ પોતાના નાગરિકોને શક્ય હોય તો આર્મેનિયા કે તુર્કિયેના રસ્તે રોડ માર્ગે નીકળવાની સલાહ આપી છે.
યુદ્ધ જેવી સ્થિતિ અને અમેરિકી વિકલ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓના દમન વિરુદ્ધ સૈન્ય હસ્તક્ષેપના વિકલ્પને ફગાવ્યો નથી. વ્હાઈટ હાઉસે સંકેત આપ્યો છે કે જો ઈરાને રેડ લાઈન પાર કરી તો અમેરિકા કડક કાર્યવાહી કરી શકે છે. અમેરિકાએ પોતાના નાગરિકોને સલાહ આપી છે કે તેઓ પ્રદર્શનોથી દૂર રહે. પોતાની પાસે પૂરતું ભોજન અને પાણીનો સ્ટોક રાખે અને સુરક્ષા માટે કોઈ સુરક્ષિત સ્થળે જતા રહે.
ઈરાન સાથે વેપાર કરનારા પર ભારે ટેરિફ
બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક મહત્વનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે જે દેશો ઈરાન સાથે વેપાર કરશે તેમના પર અમેરિકા 25 ટકા ટેરિફ લગાવશે. ટ્રમ્પે આ વાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ શેર કરીને કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે આ આદેશ તરત લાગૂ થશે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. આ નિર્ણયની અનેક દેશો પર અસર થઈ શકે છે. ભારત પણ તેમાંથી એક છે. ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી વેપારી સંબંધ રહ્યા છે. ભારત ઈરાન પાસેથી સૂકો મેવો, કેમિકલ અને કાંચ સંલગ્ન સામાન મંગાવે છે. જ્યારે ભારત ઈરાનને ચોખા, ચા, ખાંડ, દવાઓ, મશીનરી અને અન્ય સામાન મોકલે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ હાલના વર્ષોમાં ભારત ઈરાનના મોટા વેપારી ભાગીદારોમાંથી એક રહ્યું છે.