રશિયા યુક્રેન સંઘર્ષને લઈને અલાસ્કામાં થનારી બેઠક પર બધાની નજર છે કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળવાના છે. પણ તે પહેલા ટ્ર્મ્પ આ શું બોલ્યા?

2022માં યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરૂ થઈ હતી. પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. આ જંગને રોકવા માટે અનેક દેશોએ પ્રયત્નો કર્યા. જો કે કોઈ પણ સફળ થયું નહીં. યુદ્ધવિરામ પર સહમતિ હજુ સુધી બની શકી નથી. હવે કાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે થનારી મુલાકાત આ જંગને લઈને ખુબ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
આ મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પુતિનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયા જો યુક્રેન સાથે શાંતિ વાર્તામાં વિધ્ન નાખવાની કોશિશ કરશે તો તેના પરિણામ ગંભીર આવશે. પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે જો અલાસ્કામાં થનારી બેઠકનું કોઈ નક્કર પરિણામ નહીં આવે તો રશિયા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. કદાચ આર્થિક પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે.
જો કે ટ્રમ્પે એ સ્પષ્ટ નથી કર્યું કે કયા પ્રકારના આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવશે કે ક્યારથી લગાવશે. હજુ તો બસ આર્થિક પ્રતિબંધો લગાવવાની વાત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે અલાસ્કામાં થનારી બેઠક બીજી બેઠક માટે એક પગલું હશે. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી પણ સામેલ થશે. જો પહેલી બેઠક સકારાત્મક રહેશે તો અમે ફરી તરત બીજી બેઠકનું આયોજન કરીશું. હું આ બેઠક કરવા માંગીશ.
બાઈડેન પર પ્રહાર
ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર યુક્રેન-રશિયા યુદ્ધ મુદ્દે આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આ સંઘર્ષ બાઈડેનનું પરિણામ છે. મારું નહીં. હું જો રાષ્ટ્રપતિ હોત તો આવું ન થાત. આપણે આ પરિસ્થિતિમાં હોત જ નહીં. પરંતુ હું હવે બધુ ઠીક કરવા આવ્યો છું.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો આ સંઘર્ષને રોકીને આપણે અનેક લોકોના જીવ બચાવી શકીએ તો તે સારું રહેશે. છેલ્લા છ મહિનામાં મે પાંચ યુદ્ધ રોકાવ્યા છે. આ ઉપરાંત ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી.