)
US Troops Afghanistan: અમેરિકા ફરી એકવાર અફઘાનિસ્તાનમાં સૈનિકો તૈનાત કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બાગરામ એર બેઝનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે તેને પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રમ્પે તેને એક બ્રેકિંગ ન્યૂઝ ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન બ્રિટનની મુલાકાતના અંતે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, બાગરામમાં અમેરિકાની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીનની નજીક છે.
ટ્રમ્પે ચીનને બનાવ્યું ટાર્ગેટ
ડોનાલ્ડ ટ્રમ્પે બાગરામ એર બેઝ પાછું લેવાના પગલાને ચીનનો સામનો કરવાની જરૂરિયાત સાથે જોડ્યું છે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે બાગરામ એર બેઝનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, "અમે તે બેઝ એટલા માટે ઇચ્છીએ છીએ, કારણ કે જેમ તમે જાણો છો, તે એક કલાકના અંતરે છે જ્યાંથી ચીન તેના પરમાણુ શસ્ત્રો બનાવે છે."
શું ટ્રમ્પની વાત સાંભળશે તાલિબાન?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, 2021માં સત્તામાં આવ્યા પછી તાલિબાન સતત આર્થિક સંકટ, આંતરરાષ્ટ્રીય કાયદેસરતાના મુદ્દાઓ, આંતરિક સંઘર્ષ અને પ્રતિદ્વંદ્વી આતંકવાદી જૂથોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તાલિબાન અમેરિકાની સેનાને પરત ફરવાની મંજૂરી આપવા માટે તૈયાર હોઈ શકે છે.
વ્હાઇટ હાઉસે નથી આપી કોઈ માહિતી
નોંધનીય છે કે, લગભગ ચાર વર્ષ પહેલાં અમેરિકાના સૈનિકોએ અચાનક અફઘાનિસ્તાન છોડી દીધું હતું. ત્યારબાદ બાગરામ એર બેઝ સહિત આખુ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાન અમેરિકાના સૌથી લાંબા સમયથી ચાલતા યુદ્ધ કેન્દ્ર તરીકે ઓળખાય છે. વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે, શું અમેરિકા અને તાલિબાન સરકાર વચ્ચે કોઈ નવી સીધી કે પરોક્ષ વાતચીત થઈ છે કે નહીં.
જાણો બાગરામ એર બેઝ વિશે
ઉલ્લેખનીય છે કે, બાગરામ એર બેઝ અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં આવેલું છે, જે કાબુલથી 47 કિલોમીટર ઉત્તરમાં છે. બાગરામ એરફિલ્ડમાં 11,800 ફૂટનો રનવે છે, જે બોમ્બર્સ અને મોટા કાર્ગો એરક્રાફ્ટ ચલાવવા માટે સક્ષમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સૌથા સમય પહેલા દાવો કર્યો હતો કે, બાગરામ એર બેઝને ચીને પોતાના કબજામાં લઈ લીધું છે.