)
Russia US Nuclear Treaty: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રશિયા ન્યૂ સ્ટાર્ટ સંધિની મુખ્ય મર્યાદાઓનું પાલન એક વર્ષ વધુ ચાલુ રાખવા માટે સંમત છે, જે 5 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. તેમણે અમેરિકા તરફથી પણ આ પ્રકારના પગલાની અપેક્ષા રાખી, જેથી બન્ને દેશો પરમાણુ હથિયારોની સ્પર્ધાથી બચી શકે. આ સંધિ મૂળ રૂપે 2010માં થઈ હતી અને 2021માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. તેનો કાર્યકાળ ફેબ્રુઆરી 2026માં સમાપ્ત થાય છે. પુતિનનું આ નિવેદન યુક્રેન સંકટ અને વૈશ્વિક જટિલતાઓ વચ્ચે આવ્યું છે, જ્યાં પરમાણુ નિયંત્રણ પર ચર્ચાઓ તીવ્ર બની રહી છે.
પુતિને સ્પષ્ટતા કરી કે, રશિયા 5 ફેબ્રુઆરી 2026 પછી એક વર્ષ સુધી સંધિની મુખ્ય સંખ્યાત્મક મર્યાદાઓનું પાલન જાળવવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ત્યારબાધ પરિસ્થિતિઓની સમીક્ષા કરી અમે આ સ્વ-લાગુ પ્રતિબંધો ચાલુ રાખવાનો નિર્ણય લેશું. તેમનું માનવું છે કે, આ ત્યારે જ સંભવ બનશે, જ્યારે અમેરિકા પણ આવું જ કરે અને કોઈ એવું પલગું ન ઉઠાવે જે રક્ષા ક્ષમતાઓના વર્તમાન સંતુલનને અસર કરે અથવા ભંગ કરે.
હવે મોસ્કોને હથિયારોની સ્પર્ધામાં કોઈ રસ નથી
સોમવારે રશિયન સુરક્ષા પરિષદની વીડિયો કોન્ફરન્સમાં બોલતા પુતિને ભારપૂર્વક જણાવ્યું કે, મોસ્કો હવે તણાવ વધારવામાં કે હથિયારોની સ્પર્ધામાં કોઈ રસ ધરાવતું નથી. તેઓ વ્યૂહાત્મક સ્થિરતાની બગડતી પરિસ્થિતિ પર ચર્ચા કરી રહ્યા હતા. નોંધનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિએ 2023 સુધી ન્યૂ સ્ટાર્ટ પરમાણુ કરારમાં તેમની ભાગીદારી સ્થગિત કરી દીધી હતી, પરંતુ મોસ્કોએ સંધિની સમાપ્તિ સુધી તેની જોગવાઈઓનું પાલન કરવાનું વચન આપ્યું હતું.
પુતિને રશિયાની એજન્સીઓને આપ્યા નિર્દેશ
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "અમારું માનવું છે કે આ પગલું ત્યારે જ સંભવ બનશે, જ્યારે અમેરિકા પણ સમાન રીતે કાર્ય કરે અને એવા પગલાં ન ઉઠાવે જે હાલના અવરોધ સંતુલનને નબળા પાડે છે અથવા વિક્ષેપિત કરે છે." પુતિને રશિયાની એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે, સંબંધિત અમેરિકી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવે અને ખાસ કરીને વ્યૂહાત્મક હુમલાના હથિયારોના સંબંધમાં દેખરેખ રાખવી જોઈએ.
તમને જણાવી દઈએ કે તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયાના તેમના સમકક્ષ દમિત્રી મેદવેદેવ વચ્ચે હસ્તાક્ષર કરાયેલી ન્યૂ START સંધિ અનુસાર, દરેક દેશ પાસે 1,550થી વધુ પરમાણુ શસ્ત્રો અને 700થી વધુ મિસાઇલો અને બોમ્બર્સ તૈનાત ન હોવા જોઈએ.