)
Meaning of Zohran Mamdani Victory: અમેરિકાના ન્યુ યોર્ક સિટીમાં આ વખતે મેયરની ચૂંટણી ઘણી રીતે ઐતિહાસિક રહી. ભારતીય મૂળના ઝોહરાન મામદાનીએ મેયરની ચૂંટણી જીતીને એક એવો ઇતિહાસ રચ્યો, જે ફક્ત રાજકારણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુએસમાં સાંસ્કૃતિક ઓળખ અને ભારતીય ડાયસ્પોરાના વધતા પ્રભાવનું પ્રતીક પણ બન્યો. મામદાનીની જીતે અમેરિકામાં ભારતીય મૂળના નેતાઓના વધતા જૂથને ફરી એકવાર ચર્ચામાં લાવ્યું છે, જેને મીડિયાએ રમૂજી રીતે પરંતુ ગર્વથી "સમોસા કોકસ" નામ આપ્યું છે.
કોણ છે ઝોહરાન મમદાની?
ઝોહરાન મામદાની ભારતીય મૂળના એવા યુવા નેતા છે, જેમણે અમેરિકન રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે. તેઓ એક ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવે છે. જેમના મૂળ ભારત અને યુગાન્ડા બન્ને દેશોથી જોડાયેલા છે. મામદાની ન્યૂ યોર્કના ક્વીન્સ વિસ્તારમાંથી રાજકારણમાં પ્રવેશ્યા અને શરૂઆતથી જ સામાજિક સમાનતા, સસ્તા મકાનો અને ન્યાયના મુદ્દાઓ પર કામ કર્યું છે. તેમની સાદગી અને જમીન સાથે જોડાયેલી છબીએ તેમને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવ્યા. આ જ કારણ છે કે, તેમણે દિગ્ગજ નેતા એન્ડ્રુ કુઓમોને હરાવીને ન્યૂ યોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ અને ભારતીય મૂળના મેયર બનીને ઈતિહાસ રચ્યો છે.
સમોસા કોકસ શું છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આખરે આ "સમોસા કોકસ" શું છે, જેની આટલી વ્યાપક ચર્ચા થઈ રહી છે? હકીકતમાં, તે કોઈ સત્તાવાર રાજકીય સંગઠન નથી. "સમોસા કોકસ" શબ્દ મીડિયા દ્વારા અમેરિકન રાજકારણમાં સતત ઉભરતા ભારતીય મૂળના અમેરિકન નેતાઓના જૂથનું વર્ણન કરવા માટે બનાવવામાં આવ્યો છે. જેઓ અમેરિકાની રાજનીતિમાં સતત આગળ વધી હ્યા છે. આ જૂથમાં કોંગ્રેસના સભ્યો એમી બેહરા, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને શ્રી થાનેદાર જેવા નામ સામેલ છે. આ બધા ભારતીય મૂળના અમેરિકન રાજકારણમાં માત્ર સક્રિય નથી, પરંતુ નીતિનિર્માણમાં પણ પોતાની મજબૂત ભૂમિકા ભજવે છે.
'કોકસ' શબ્દ અમેરિકન રાજકારણમાં એવા જૂથ માટે ઉપયોગ થાય છે, જેઓ કોઈ ચોક્કસ વિચારધારા અથવા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને 'સમોસા' શબ્દ એટલા માટે ઉમેરવામાં આવ્યો, કારણ કે તે ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે, જે આ નેતાઓના મૂળને દર્શાવે છે. આનો અર્થ એ છે કે, આ નામ ફક્ત રમૂજી જ નથી પણ ગૌરવથી ભરેલું પણ છે. એક એવું પ્રતીક જે જણાવે છે કે, હવે ભારતીય મૂળના લોકો અમેરિકન શક્તિના કેન્દ્રમાં પોતાની છાપ છોડી રહ્યા છે.
જીતમાં ભારતીયોનું મોટું યોગદાન
ઝોહરાન મામદાનીની જીતને ફક્ત એક ચૂંટણી પરિણામ તરીકે જોઈ શકાય નહીં. આ બદલાવનો સંકેત છે, જે અમેરિકન રાજકીય પરિદૃશ્યમાં ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે ભારતીય મૂળના લોકોની ઓળખ અમેરિકામાં ફક્ત ડોક્ટર, એન્જિનિયર અથવા ઉદ્યોગપતિ સુધી મર્યાદિત હતી. પરંતુ હવે તેઓ રાજકારણમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યા છે. મામદાનીની જીત સાબિત કરે છે કે ભારતીય મૂળના -અમેરિકનો હવે નીતિ અને નેતૃત્વ બન્ને સ્તરે પ્રભાવ પાડી રહ્યા છે.
એ પણ રસપ્રદ છે કે મામદાની પોતે ન્યુ યોર્ક સિટીના છે, જ્યાં આશરે 750,000 ભારતીય અને દક્ષિણ એશિયન રહેવાસીઓ રહે છે. તેમની જીતથી આ સમુદાયોમાં રાજકીય આત્મવિશ્વાસ વધ્યો છે.
અમેરિકામાં રહે છે 45 લાખ ભારતીયો
અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તી આશરે 45 લાખની આસપાસ છે. પરંતુ રાજકીય પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ આ સંખ્યા અત્યાર સુધી ઓછી માનવામાં આવતી હતી. છેલ્લા દાયકામાં આ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ છે. અમેરિકી કોંગ્રેસમાં હવે છથી વધુ ભારતીય-અમેરિકન નેતાઓ છે અને આગામી ચૂંટણીઓમાં આ સંખ્યા વધુ વધવાની ધારણા છે.
'સમોસા કોકસ' આ પરિવર્તનની કહાની કહે છે. તે ફક્ત એક નામ નથી, પરંતુ એક નવી વિચારધારાનું પ્રતીક છે, જે અમેરિકા જેવા દેશમાં વિવિધતા અને પ્રતિનિધિત્વને નવો અર્થ આપી રહી છે. આ નેતાઓની નીતિઓ હવે ઇમિગ્રેશન મુદ્દાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ આબોહવા, શિક્ષણ, રોજગાર અને સામાજિક સમાનતા જેવા વ્યાપક મુદ્દાઓ પર પણ અસર કરી રહી છે.
દુનિયામાં વધી રહી છે ભારતની સોફ્ટ પાવર
ભારતીય મૂળના નેતાઓની આ વધતી હાજરી ભારત માટે પણ એક પ્રકારથી સોફ્ટ પાવરનું કામ કરે છે. આ નેતાઓ ભલે અમેરિકન નાગરિક હોય, પરંતુ ભારત સાથે તેમનો ભાવનાત્મક સંબંધ મજબૂત છે. જ્યારે પણ ભારત અને અમેરિકાની વચ્ચે કોઈ મોટો કરાર અથવા વ્યૂહાત્મક ભાગીદારી થાય છે, ત્યારે આ નેતાઓ બન્ને દેશો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે.
ઝોહરાન મામદાનીની જીત એટલા માટે પણ ખાસ છે, કારણ કે તે ભારતીય સમુદાયના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે જે હવે અમેરિકાના રાજકીય અને સામાજિક માળખામાં ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.
એક-બીજા માટે સહિયારી સમજણની ભાવના
મામદાની પછી હવે આ જૂથમાં વધુ નામો જોડાય તેવી અપેક્ષા છે. ન્યુ જર્સી અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં ભારતીય મૂળના ઘણા યુવા નેતાઓ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, આગામી વર્ષોમાં અમેરિકન રાજકારણમાં ભારતીયોની તાકાત પહેલા કરતાં વધુ દેખાશે.
હજુ સુધી આ જૂથ બહુ ઔપચારિક નથી, પરંતુ આ નેતાઓ વચ્ચે એક સહિયારી સમજણ અને એક-બીજા માટે સમર્થનની ભાવના જરૂર છે. આ ભાવના 'સમોસા કોકસ'ને અમેરિકન રાજકારણમાં એક રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રકરણ બનાવી રહી છે.
અમેરિકાની સત્તાના કોરિડોર સુધી પહોંચી ખુશબુ
ન્યૂ યોર્કના મેયરની ચૂંટણીના પરિણામોએ માત્ર એક નવો ઇતિહાસ લખ્યો નથી, પરંતુ એ પણ દર્શાવ્યું કે ભારતીયો હવે અમેરિકાની સત્તાની કહાનીમાં ફક્ત દર્શક નથી, પરંતુ નાયક બની ચૂક્યા છે. 'સમોસા કોકસ' શબ્દ હવે એવા ડાયસ્પોરાના આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે જે સરહદો પાર કરે છે અને નવા સપનાઓને આકાર આપે છે. મામદાનીની જીત એ યાદ અપાવે છે કે ભારતીય સંસ્કૃતિ હવે સમોસાની સુગંધ સુધી મર્યાદિત નથી, પરંતુ અમેરિકન સત્તાના કોરિડોર સુધી પહોંચી ગઈ છે.