)
When Will The World End: વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડના અંતની ભવિષ્યવાણી કરી છે. તમને લાગશે કે આવું ન થવું જોઈએ પણ સિદ્ધાંતો કંઈક બીજું જ કહે છે. બિગ બેંગ બાદ આપણું બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને આપણી દુનિયા પણ બની છે અને તેના વિસ્તરણને સતત ડાર્ક એનર્જી દ્વારા ટેકો મળી રહ્યો છે.
શું છે ડાર્ક એનર્જી?
NASAનું ડાર્ક એનર્જી વિશે કહેવું છે કે, તે એક વસ્તુ છે જે અંતરિક્ષને સતત ધકેલે છે અને કેટલાક લોકો તેને નકારાત્મક દબાણ પણ માને છે. બ્રહ્માંડ વિશે એક વિચાર સૌથી વધુ લોકપ્રિય છે અને તે એ છે કે ડાર્ક એનર્જી ઘણા સ્વરૂપોમાં હોઈ શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે સમયની સાથે ડાર્ક એનર્જી કમજોર પડી રહી છે અને જો આવું થશે તો બ્રહ્માંડ સતત વિસ્તરતું રહેશે નહીં, પરંતુ સંકોચાવાનું શરૂ કરશે અને આને વૈજ્ઞાનિકો બિગ ક્રંચ કહે છે. સરળ ભાષામાં બિગ ક્રંચ એ બિગ બેંગની બરાબર વિરુદ્ધ છે અને તેનો અર્થ એ છે કે, ધીમે-ધીમે આ આખું બ્રહ્માંડ સંકોચાઈ જશે અને એક બિંદુ સુધી સીમિત થઈ જશે.
અભ્યાસમાં દાવો
કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાલમાં જ સમજવાનો પ્રયાસ કર્યો છે કે, આ બ્રહ્માંડનો અંત બિગ ક્રંચથી કેવી રીતે થઈ શકે છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આપણું બ્રહ્માંડ લગભગ 7 અબજ વર્ષોમાં સંકોચાવાનું શરૂ થઈ જશે અને ત્યારબાદ બ્રહ્માંડને પોતાની શરૂઆતની અવસ્થામાં પાછા ફરવામાં ઘણા અબજ વર્ષો લાગી શકે છે. એક અંદાજ મુજબ, આ બ્રહ્માંડનો અંત આવવામાં 33.3 અબજ વર્ષ લાગશે.
વૈજ્ઞાનિકોએ આ સંખ્યાની ગણતરી કરવા માટે ડાર્ક એનર્જીનું નિરીક્ષણ કર્યું અને જોયું કે તે ઘટી રહી છે કે બંધ થઈ રહી છે. આનાથી જ તેમને બ્રહ્માંડના અંતના વર્ષોની ગણતરી કરવામાં મદદ મળી. ઘણા ખગોળશાસ્ત્રીય અભ્યાસમાંથી જાણવા મળ્યું કે, બિગ ક્રંચ લગભગ 33.3 અબજ વર્ષોમાં આપણા બ્રહ્માંડનો અંત લાવી શકે છે. લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરીના માઈકલ લેવીનું માનવું છે કે, આપણું ભવિષ્ય ડાર્ક એનર્જી પર નિર્ભર છે.