કોણ છે અરુણ સુબ્રમણ્યમ? ભારતીય જજે ટ્રમ્પને આપ્યો ઝટકો, પલટાવી દીધો સરકારનો મોટો નિર્ણય
Who is Judge Arun Subramanian: ભારતીય મૂળના અમેરિકન જજ અરુણ સુબ્રમણ્યમે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડેમોક્રેટ શાસિત રાજ્યોમાં બાળકોની સંભાળ, પારિવારિક સહાય અને સામાજિક સેવાઓ સાથે જોડાયેલી આશરે 10 અબજ ડોલરની ફન્ડિંગ રોકવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપ્યો છે. જજે કહ્યું કે, અચાનક ફંડ રોકવાથી ગરીબ પરિવારો અને કમજોર વર્ગોને ગંભીર નુકસાન થઈ શકે છે અને આ પ્રક્રિયામાં કાયદાકીય ખામીઓ છે.
Trending Photos
)
Who is Judge Arun Subramanian: અમેરિકામાં ભારતીય મૂળના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજનો આ નિર્ણય હાલમાં રાજકીય વિવાદનું મોટું કારણ બન્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જજ અરુણ સુબ્રમણ્યમે ટ્રમ્પ વહીવટીતંત્રને ડેમોક્રેટ શાસિત રાજ્યોની યોજનાઓ માટે આપવામાં આવતી અબજો ડોલરની ફન્ડિંગ રોકતા અસ્થાયી રૂપે અટકાવી દીધા છે. ત્યારબાદ MAGA સમર્થકો અને ટ્રમ્પના નજીકના લોકોએ જજ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના 9 જાન્યુઆરીના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અરુણ સુબ્રમણ્યમે એક વચગાળાનો આદેશ જાહેર કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને આશરે 10 અબજ ડોલરની ફન્ડિંગ રોકવા પર હાલમાં અમલ ન કરવા સૂચના આપી છે. આ ફન્ડિંગ બાળકોની સંભાળ, પારિવારિક સહાય અને સામાજિક સેવાઓ સાથે સંબંધિત હતી, જેની અસર ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, મિનેસોટા, ઇલિનોય અને કોલોરાડો જેવા રાજ્યો પર પડવાની હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે રોકી દીધુ હતું ફન્ડિંગ
ટ્રમ્પ વહીવટીતંત્રે આ મહિનાની શરૂઆતમાં જ આ ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી હતી. સરકારનું કહેવું હતું કે, રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં છેતરપિંડી અને ટેક્સપેયર્સના નાણાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતાઓ છે. ખાસ કરીને મિનેસોટામાં ડે-કેર સાથે જોડાયેલા કથિત કૌભાંડોનો હવાલો આપવામાં આવ્યો હતો, જેને ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ, ઇમિગ્રેશન અને સરકારી ખર્ચ સાથે જોડવામાં આવ્યો હતો.
અનેક રાજ્યો કોર્ટના દ્વારે પહોંચ્યા
જો કે, પ્રભાવિત રાજ્યોએ અદાલતનો સંપર્ક કર્યો અને કહ્યું કે, ફન્ડિંગ રોકવું ગેરકાયદેસર છે. રાજ્યોની દલીલ હતી કે, આ નિર્ણય કોંગ્રેસ (સંસદ)ના બજેટ અધિકારનું ઉલ્લંઘન કરે છે અને નિર્ધારિત વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ નિર્ણયથી ગરીબ પરિવારો, બાળકો અને દિવ્યાંગ લોકોને તાત્કાલિક નુકસાન થશે. આ કપાતમાં અંદાજે 7.3 અબજ ડોલરની પારિવારિક સહાય, 2.4 અબજ ડોલરની ચાઇલ્ડ કેર ફન્ડિંગ અને અન્ય સામાજિક યોજનાઓનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે આ નિર્ણયને પરિવારો માટે મોટી રાહત ગણાવી અને કહ્યું કે, આ એવા લોકો માટે જરૂરી ફંડ છે જેમનું જીવન આ યોજનાઓ પર નિર્ભર છે.
કોણ છે જજ અરુણ સુબ્રમણ્યમ
45 વર્ષીય અરુણ શ્રીનિવાસ સુબ્રમણ્યમની અમેરિકાની ફેડરલ કોર્ટના સૌથી યુવા જજોમાં ગણતરી થાય છે. વર્ષ 2023માં તેઓ ન્યૂયોર્કના સાઉદર્ન ડિસ્ટ્રિક્ટમાં નિયુક્ત થનારા પ્રથમ દક્ષિણ એશિયાઈ જજ બન્યા. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને 2022માં તેમનું નામ મોકલ્યું હતું અને સેનેટ દ્વારા સેનેટર ચક શૂમરની ભલામણ પર મંજૂરી આપવામાં આવી હતી.
અરુણ સુબ્રમણ્યમનો જન્મ 1979માં પિટ્સબર્ગમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતથી અમેરિકા આવ્યા હતા. તેમણે કોમ્પ્યુટર સાયન્સ અને ઈંગ્લીશમાં અભ્યાસ કર્યો અને બાદમાં કોલંબિયા લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમણે અમેરિકાની સુપ્રીમ કોર્ટના જજ રૂથ બેડર ગિન્સબર્ગ સહિત અનેક વરિષ્ઠ જજો સાથે કામ કર્યું છે.
વકીલ તરીકે તેમણે જટિલ કેસોમાં તેમના અસીલો માટે એક અબજ ડોલરથી વધુની રકમ મેળવી આપી હતી અને ‘પ્રો બોનો’ મામલામાં પણ સક્રિય ભૂમિકા ભજવી. જજ તરીકે તેઓ તેમના શાંત અને સંતુલિત નિર્ણયો માટે જાણીતા છે. 2025માં ચર્ચિત ‘ડીડી’ કોમ્બ્સ કેસમાં સજા દરમિયાન પણ તેમના નિર્ણયની ઘણી ચર્ચા થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














