)
USA ID Rules For Immigrants: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ એક બાદ એક આકરા નિર્ણયો લઈ રહ્યા છે. અમેરિકામાં વસતા અન્ય દેશના નાગરીકો માટે હવે સતત મુશ્કેલીઓ અને આકરા નિયમો વધી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે વધુ એક નિયમ લાગુ કરી દીધો છે. જેના કારણે અમેરિકામાં વસતા અપ્રવાસી લોકોની મુશ્કેલી વધી ગઈ છે. હવે અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સે 24 કલાક દસ્તાવેજી પુરાવા સાથે રાખવા પડશે. એ પછી H1B વીઝાધારક હોય કે પછી ગ્રીનકાર્ડ ધારક, દરેક વ્યક્તિએ જરૂરી આઈડી પ્રુફ 24 કલાક પોતાની સાથે રાખીને જ ફરવું પડશે.
અમેરિકાની કોર્ટે પણ ટ્રમ્પ સરકારના આ નિર્ણયને મંજૂરી આપી દેતા 11 એપ્રિલથી નિયમ લાગુ થઈ ગયો છે. આ ઉપરાંત હવે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સે ફરજિયાત સરકારમાં નોંધણી કરાવવી પડશે. મહત્વનું છે તે, ટ્રમ્પ સરકારે ૨૫ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે ફેડરલ સરકારમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જે લોકો જાતે નોંધણી નહીં કરાવે તેમણે દંડ અથવા સજાનો સામનો કરવો પડશે.
વિદેશી નાગરિકોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિયમ 11 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે 30 દિવસથી વધુ સમય સુધી યુએસમાં રહેતા વિદેશી નાગરિકોએ સંઘીય સરકારમાં નોંધણી કરાવવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને જેલ, દંડ અને ડિપોર્ટનો પણ સામનો કરવો પડી શકે છે. આ જાહેરાત બાદ અમેરિકામાં રહેતા અનેક ઇમિગ્રન્ટ્સ ચિંતામાં મુકાઇ ગયા છે.
પ્રેસ સચિવ દ્વારા નિવેદન
આ નિયમ અંગે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, 'USAમાં 30 દિવસથી વધુ સમય સુધી રોકાયેલા તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકારમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નિયમનું પાલન ન કરવું એ દંડ અને કેદની સજાને પાત્ર ગુનો છે.” તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો તમારી ધરપકડ કરવામાં આવશે, દંડ કરવામાં આવશે અને દેશનિકાલ કરવામાં આવશે, ત્યારબાદ તમે ક્યારેય અમેરિકા પાછા ફરી શકશો નહીં.
આ નિયમોનું ધ્યાન રાખવું પડશે
રજીસ્ટ્રેશન
14 વર્ષથી વધુ ઉંમરના તમામ બિન-નાગરિકો કે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં 30 દિવસ કે તેથી વધુ સમય માટે રહે છે તેઓએ ફોર્મ G-325R નો ઉપયોગ કરીને સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવી આવશ્યક છે. વાલીઓએ તેમના 14 વર્ષથી નીચેના બાળકો માટે રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે.
આ દસ્તાવેજોની પડશે જરૂર
11 એપ્રિલ અથવા તે પછી યુએસએ પહોંચનારાઓએ આગમનના 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવી પડશે. પાલન કરવામાં નિષ્ફળતા દંડ, કેદ અથવા બંનેમાં પરિણમી શકે છે.
સરનામામાં ફેરફાર
પોતાનું સરનામું બદલનાર વ્યક્તિઓએ 10 દિવસની અંદર જાણ કરવાની રહેશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને 5,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે.
ફરીથી રજીસ્ટ્રેશન
14 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ 30 દિવસની અંદર ફરીથી રજીસ્ટ્રેશન કરાવવી પડશે અને તેમની ફિંગરપ્રિન્ટ્સ પણ સબમિટ કરવી પડશે.