)
France Protest: નેપાળમાં યુવાનો (Gen-Z)એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે મોટા પાયે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન દરમિયાન ઘણી જગ્યાએ હિંસા, આગચંપી અને સરકારી સંપત્તિને નુકસાનની ઘટનાઓ બની હતી. જ્યારે, હવે ફ્રાન્સમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ફ્રાન્સમાં પણ દક્ષિણપંથી અને વામપંથી વિચારધારાઓને કારણે વિભાજિત રાજકારણ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ લઈ લીધું છે. વડાપ્રધાન ફ્રાન્સવા બાયરૂની સરકારના પતનના એક દિવસ બાદ પેરિસ અને અન્ય શહેરોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા અને આગચંપી કરી. જવાબમાં પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા અને 200થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોનના મધ્યવાદી શાસનમાં હવે સેબેસ્ટિયન લેકોર્નુ પીએમ છે, જેમણે કોઈક રીતે કે પછી ઉગ્ર દક્ષિણપંથી અથવા ઉગ્ર વામપંથીઓનું સમર્થન મેળવીને બજેટ પસાર કરવું પડશે. આ નેપાળની પરિસ્થિતિથી બિલકુલ અલગ નથી. જો કે, તાત્કાલિક કારણો અલગ-અલગ છે. પ્રદર્શનકારીઓએ તેનું નામ 'બ્લોક એવરીથિંગ' મૂવમેન્ટ આપ્યું છે.
ફ્રાન્સમાં હિંસા કેમ ફેલાઈ છે?
ફ્રેન્ચના સંસદમાં સૌથી વધારે સીટ રાઈટ વિંગ (દક્ષિણપંથી દળ) પાસે છે, પરંતુ રસ્તાઓ પર આંદોલનનું નેતૃત્વ બ્લોકોન્સ ટાઉટ નામના ગ્રાસરુટ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ વડાપ્રધાન ફ્રાન્સ્વા બાયરૂને સંસદમાં બન્ને તરફથી દક્ષિણપંથી અને વામપંથીના સાંસદો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ થઈ રહી છે.
આ વિરોધ પ્રદર્શનોને કારણે શાળાઓ, ટ્રેનો, એરલાઇન્સ અને ફેક્ટરીઓ ખૂબ પ્રભાવિત થઈ રહી છે. જ્યારે, મજૂર સંગઠનોએ 18 સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, સરકારના પ્રસ્તાવિત બજેટ કાપથી સમાજ કલ્યાણ યોજનાઓ પર અસર પડશે. આ નારાજગીનું મૂળ અસ્થિર રાજનીતિ છે. કોઈપણ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી અને દેશમાં વધતા ધ્રુવીકરણને કારણે એક સ્થિર ગઠબંધન પણ બની રહ્યું નથી. જ્યારે મેક્રોને 2024માં વહેલી ચૂંટણીઓ યોજવાની હાકલ કરી હતી, જેથી તેમને કેન્દ્રવાદી (મધ્યવાદી) શાસન માટે મજબૂત જનાદેશ મળી શકે. પરંતુ તેમને સત્તામાં રહેવા માટે અન્ય પક્ષોના સાંસદોનો ટેકો લેવો પડ્યો. આ હોવા છતાં રાજકીય અસ્થિરતાનો અંત આવી શક્યો નહીં.
ફ્રાન્સમાં સંસદ હવે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. દક્ષિણપંથી નેશનલ રેલી સૌથી મોટો પક્ષ છે, પરંતુ એકલા સરકાર બનાવી શકતો નથી. જ્યારે વામપંથી દળ સક્રિય રીતે વિરોધ કરી રહ્યા છે. જ્યારે, મેક્રોનનો પક્ષ કેન્દ્રમાં છે, જે નબળો પડી ગયો છે અને કોઈપણ મુદ્દા પર દર વખતે અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડે છે. મેક્રોન 2017થી કોઈને કોઈ રીતે સરકાર ચલાવી રહ્યા છે. તેમણે તેમના લાંબા સમયથી સહયોગી સેબાસ્ટિયન લેકોર્નુને વડા પ્રધાન બનાવ્યા છે. લેકોર્નુ છેલ્લા એક વર્ષમાં ત્રીજા પીએમ જ નહીં, પરંતુ બે વર્ષમાં પાંચમા અને મેક્રોન રાષ્ટ્રપતિ બન્યા પછી અત્યાર સુધીના સાતમા પીએમ પણ છે. 39 વર્ષીય લેકોર્નુ આઠ વર્ષથી કેબિનેટમાં છે. પરંતુ તમામ પક્ષો ફરીથી ચૂંટણી ઇચ્છે છે.
'લોકશાહી માટે શરમજનક'
પેરિસ સ્થિત સંશોધન વિશ્લેષક ગેસિન વેબરે કહ્યું કે "અમે ફરીથી તે જ સમસ્યાનો સમાનો કરી રહ્યા છે, જેમ ગયા વર્ષ હતી. વિરોધ પક્ષો સમાધાન કરવા તૈયાર નથી." વામપંથી સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, તેના કોઈપણ સાંસદ હવે મેક્રોનની નીતિઓને સમર્થન આપશે નહીં. તેના નેતા ફિલિપ બ્રુને ટીવી પર કહ્યું કે, "આ સંસદનું અપમાન છે. આ મતદારો સાથે વિશ્વાસઘાત છે."
'મેક્રોન માટે આ છેલ્લી તક'
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, વિશ્લેષકો કહે છે કે હાલ માટે બીજી બાજુથી કેટલીક છૂટછાટો આપી શકાય છે. જ્યારે નેશનલ રેલી પાર્ટીના નેતા મરીન લે પેન મંગળવારે લખ્યું હતું કે, મેક્રોન માટે આ 'છેલ્લી તક' છે. મરીન 2012, 2017 અને 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂક્યા છે અને દક્ષિણપંથી રાજકારણ સાથે સંકળાયેલા છે. નવા વડાપ્રધાન લેકોર્નુ પહેલા કેન્દ્ર-દક્ષિણપંથી રિપબ્લિકન પાર્ટીમાં હતા અને મેક્રોનના લશ્કરી દળોને ખુલ્લેઆમ સમર્થન કરે છે. તેઓ લશ્કરી ખર્ચ વધારવા અને રશિયા સામે યુક્રેનને મદદ કરવાના પક્ષમાં છે. લેકોર્નુના લે પેન સહિત અન્ય દક્ષિણપંથી નેતાઓ સાથે પણ સારા સંબંધો છે.
જ્યારે, રાષ્ટ્રીય રેલીના જોર્ડન બાર્ડેલાએ કહ્યું કે, "અમે નવા વડાપ્રધાનનું મૂલ્યાંકન તેમના કામ અને બજેટ નીતિઓના આધારે કરીશું, કોઈપણ મૂંઝવણ વિના. જો તેઓ અમારી 'રેડ લાઈન્સ' પાર કરશે, તો અમે વિરોધ કરીશું." પરંતુ બીજી તરફ ફ્રાન્સના હાર્ડ-લેફ્ટ પાર્ટી ફ્રાન્સ અનબોઉડ (LFI)એ પહેલાથી જ અવિશ્વાસ પ્રસ્તાવની જાહેરાત કરી દીધી છે.
પગારમાં ઘટાડોના આરોપ અને વિરોધ પ્રદર્શન
જ્યારે નવા વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમની સરકાર 'રાજકીય અને સ્થિરતા' માટે કામ કરશે. તેમ છતાં દેશભરમાં વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. સરકારે કહ્યું છે કે, દેવું ઘટાડવા માટે તેઓ ખર્ચમાં 44 અબજ યુરો (લગભગ 52 અબજ ડોલર)નો ઘટાડો કરશે. પરંતુ વિરોધ પક્ષોએ કહ્યું કે, આનો અર્થ એ છે કે પગાર અને પેન્શનમાં ઘટાડો કરવામાં આવશે, જ્યારે ધનિક લોકોને ફાયદો થશે. ટુલૂઝ શહેરની 25 વર્ષીય વિદ્યાર્થી ક્લોએ કહ્યું કે, 'આ બધું ખોટું છે. કામદાર વર્ગ સૌથી વધુ પરેશાન થશે. આનાથી સારો રસ્તો હોઈ શકે છે.' સ્થિતિ એટલા માટે વધુ મુશ્કેલ છે, કારણ કે આ પ્રદર્શનનું કોઈ નેતૃત્વ નથી. અમુક અંશે આ 2018માં મેક્રોનના પ્રથમ કાર્યકાળ દરમિયાન થયેલા 'યલો વેસ્ટ' આંદોલન જેવું છે અને હાલમાં જ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલી સરકાર વિરોધી પ્રવૃત્તિઓ જેવું પણ છે.