)
Zombie Cigarette: જાપાન આ સમયે એક ઝડપથી વધતા ડ્રગ્સ સંકટનો સામનો કરી રહ્યું છે. યુવાનો મોટી સંખ્યામાં એવા વેપ લિક્વિડનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ઇટોમિડેટ (Etomidate) નામનું ડ્રગ્સ મિક્સ કરવામાં આવે છે. આ વેપ લિક્વિડને "ઝોમ્બી સિગારેટ" કહેવામાં આવે છે. આ ટ્રેન્ડ વધવાથી સતત ધરપકડો થઈ રહી છે, પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ફેન્ટાનીલ જેવી ખતરનાક લતનો ડર ફરીથી ઉભરી રહ્યો છે. ઓકિનાવામાં પોલીસે પોતાની ઝુંબેશ વધુ સઘન બનાવી છે, કારણ કે કિશોરો અને 20-25 વર્ષના યુવાનોમાં "ઝોમ્બી સિગારેટ"નો ઉપયોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Kyodo ન્યૂઝ અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોની ઇટોમિડેટ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ એક સિડેટિવ છે, જે સેરીબેલર ફંક્શન અને શરીરના કોઓર્ડિનેશનને કમજોર કરે છે.
સત્તાવાર પ્રતિબંધ અને ગેરકાયદેસર સપ્લાય
જાપાને મે મહિનામાં ઈટોમિડેટને સત્તાવાર રીતે પ્રતિબંધિત ડ્રગ્સ જાહેર કરી દીધું હતું, તેમ છતાં તેની સપ્લાય ચાલુ છે. ઓક્ટોબરમાં પોલીસે યુટો અગરિયે નામના એક આરોપીની ધરપકડ કરી, જેના ઘરેથી 64 ગ્રામ ઈટોમિડેટ-બેસ્ડ લિક્વિડ મળી આવ્યું. માનવામાં આવે છે કે, તેની ગેંગ ઓકિનાવામાં તેનો મોટો સપ્લાયર છે.
આ પદાર્થ સામાન્ય રીતે વિદેશમાં સર્જરી દરમિયાન એનેસ્થેસિયા માટે ઉપયોગ થાય છે, પરંતુ તેનો દુરુપયોગ બેહોશી, ખેંચ અને અંગો પરનો કાબૂ ગુમાવવા જેવી સ્થિતિઓ પેદા કરી શકે છે.
'ઝોમ્બી સિગારેટ' કેવી રીતે વેચાઈ રહી છે?
ઈટોમિડેટ મિક્સ કરેલ વેપ લિક્વિડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા વેચાઈ રહ્યું છે. આ ફ્લેવરવાળા અને નોન-ફ્લેવર બન્ને પ્રકારના વેપ કાર્ટ્રિજમાં મળે છે.
એક અલગ કેસમાં, ટોક્યો વિસ્તારમાં ત્રણ ચીની નાગરિકોની ભારતથી સિંગાપોરના માર્ગે 100 ગ્રામ ઈટોમિડેટની તસ્કરી કરવા અને પછી તેને લિક્વિડમાં બદલીને જાપાનમાં વેચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર ડ્રગ્સ એન્ડ ક્રાઇમ ઓફિસે પણ પૂર્વી અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ઈટોમિડેટ અને તેના સમાન પદાર્થોમાં વધારો થયો હોવાની પુષ્ટિ કરી છે.
જાપાન ટુડેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, દેશનું ડ્રગ્સ માર્કેટ નીતિઓ કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે - 1960ના દાયકા જેવી સ્થિતિ પાછી આવવાનો ખતરો છે, તેનાથી પણ ખરાબ.
ફેન્ટાનીલ, જે અમેરિકન CDC અનુસાર હેરોઈન કરતાં 50 ગણું વધુ શક્તિશાળી છે અને ઈટોમિડેટ મિક્સ કરીને બનેલી "ઝોમ્બી સિગારેટ" મે મહિના સુધી જાપાનમાં ગેરકાયદેસર પણ નહોતી. આ જ કારણોસર કાયદો અને પોલીસ કાર્યવાહી સપ્લાય ચેઇનની સરખામણીએ પાછળ રહી ગઈ હતી.
તસ્કરીની સપ્લાય ચેઇન કેવી છે?
રિપોર્ટમાં તસ્કરીના નેટવર્કની જે કડીઓનો ઉલ્લેખ છે, તેમાં સામેલ છે:
તાઈવાની માફિયા નેટવર્ક
મેનલેન્ડ ચાઈના સાથે જોડાયેલી ગેંગ
જાપાની યાકૂઝા સાથે સહયોગ
વિયેતનામના મેન્યુફેક્ચરિંગ હબ
દરિયામાં જહાજો વચ્ચે માલની અદલા-બદલી
તસ્કરો દરિયામાં માલની એટલા માટે અદલા-બદલી કરે છે, કારણ કે ખુલ્લા સમુદ્રમાં "વિઝિબિલિટી સારી રહે છે" અને પોલીસ દેખાતા જ તેઓ બધો સામાન પાણીમાં ફેંકી શકે છે.
ઓકિનાવામાં આ ઝોમ્બી સિગારેટની કિંમત લગભગ 20,000 યેન જણાવવામાં આવે છે, જો કે, તે પ્રતિ સિગારેટ હોય છે કે પેક દીઠ- તે સ્પષ્ટ નથી.
ઈટોમિડેટ શરીર પર કેવી અસર કરે છે?
એટોમિડેટ એક મેડિકલ ઈનેસ્થેટિક છે, જેનો ઉપયોગ વિદેશમાં ગંભીર પીડા અથવા જટિલ સર્જરીમાં થાય છે. વેપ દ્વારા તેનો દુરુપયોગ આ અસરોને જન્મ આપી શકે છે:
અચાનક નશા જેવો ઉત્સાહ
હેલ્યુસીનેશન
ખેંચ આવવી
માનસિક ભ્રમ
શરીર પરનો કાબૂ ગુમાવી દેવો
અંગો નિષ્ફળ થવાનો ખતરો
ફેન્ટાનીલ અને ઈટોમિડેટ પર આધારિત આ નવા ડ્રગ્સ નાના કાર્ટ્રિજ, એન્ક્રિપ્ટેડ એપ અને સરહદ પારની કુરિયર ચેઇન દ્વારા જાપાનમાં પહોંચી રહ્યા છે, જેને છુપાવવા અને લઈ જવા ખૂબ જ સરળ છે.
જાપાનમાં અધિકારીઓ હવે તેના રાષ્ટ્રીય સ્તરે ફેલાવાને લઈને સર્તક છે. ક્યોદો અનુસાર, ઈટોમિડેટનું ગેરકાયદેસર બજાર હવે ઓકિનાવા સિવાય દેશના અન્ય ભાગોમાં પણ ઉભરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને પોલીસ મેસેજિંગ પ્લેટફોર્મ અને બંદરો પર દેખરેખ વધારી રહ્યા છે.