Gujarat Weather News: સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગમાં આંધી તોફાને તારાજી સર્જી, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં સતત પાંચ દિવસથી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સતત પાંચ દિવસ વરસાદ પડ્યો અને આજે પણ વરસાદની આગાહી છે.

Gujarat Weather News: સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગમાં આંધી તોફાને તારાજી સર્જી, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં સતત પાંચ દિવસથી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સતત પાંચ દિવસ વરસાદ પડ્યો અને આજે પણ વરસાદની આગાહી છે. ગુરુવારે મોરબીના ટંકારામાં સૌથી વધુ  દોઢ ઈંચ વરસાદ પડ્યો જ્યારે કચ્છમાં તો કરા પડ્યા. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. 

ડાંગમાં તરાજી
આંધી-તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે.  ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવન ના કારણે આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુના ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકસાન થયું છે, જ્યારે અમુક ઘરો ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ જતાં ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો. 

આદિવાસી પરિવારોનો ઘરનો સામાન અને અનાજ ઘરના કાટમાળમાં દબાઇ જઈ બગડી જતાં ગરીબ આદિવાસી પરિવાર બે ઘર બની જતાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ડાંગના ભેંસકાત્રી, ચિચોંડ, શિવારીમાળ, સોનગીર, સાકરપાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન પહોંચાડયું. ડાંગના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંત દેશમુખે વિડિઓ વાયરલ કરી દાતાઓને આદિવાસી પરિવારોને મદદ કરવા જણાવ્યું છે. 

મીઠું પકવતા અગરીયાઓની સોલર પેનલોને નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના પગલે રણમાં મીઠું પકવતા અગરીયાઓની સોલાર પેનલોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના પગલે ખારાગોઢા રણમાં અગરિયાઓએ રણમાં મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો તૂટી પડી. ખારાગોઢા અને નાગબાઈ રણ વિસ્તારમાં અગરિયાઓએ મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો ભારે પવનના કારણે રણમાં તૂટી પડી. અગરિયાઓને લાખો રૂપિયાનું સોલાર પેનલો તૂટતા નુકસાન થયું છે. રણમાં મીઠું પકવતા અગરિયા સોલાર પેનલોની મદદથી મીઠું પકવી રહ્યા છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાના કારણે ભારે પવન ફૂંકાવાના કારણે અને વરસાદ આવવાના કારણે રણમાં નાખવામાં આવેલી સોલાર પેનલોનો કચ્ચરઘાંણ બોલી ગયો. અગરિયાઓએ તંત્ર સમક્ષ નુકસાની અંગે સહાયની માંગણી કરી છે. 

બનાસકાંઠામાં પણ વિકટ પરિસ્થિતિ
બનાસકાંઠાના પાલનપુરના ધાણધા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતો પોતાના ખેતરમાં શેડ બચાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વરસાદને પગલે પપૈયાના પાકને નુકસાન થયું છે. 

કચ્છમાં કરા પડ્યા, 20 કલાકમાં 20 તાલુકાઓમાં માવઠું
કચ્છમાં ગુરુવારે સતત ચોથા દિવસે ભૂજ, નખત્રાણા, લખપત, ભચાઉ, માંડવી, મુંદ્રા, તાલુકામાં વરસાદ પડ્યો હતો. લખપત તાલુકાના મેઘપર, જુણાચાય, ભૂજના ભીરંડિયારા, લોડાઈ, નખત્રાણાના સુખસાણ, વિભાપર, મોસુણા, સુખપર, રોહા સહિત ગામો અને આજુબાજુમાં તો કરા પડ્યા હતા. છેલ્લા 20 કલાકમાં 20 તાલુકાઓમાં માવઠું પડ્યું. 

વરસાદની આગાહી
રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. 

અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news