કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયા

Congress Suspend Nilesh Kumbhani : કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા... સુરતમાં ફોર્મ રદ થવાના મુદ્દે ક્રાઈમબ્રાંચની કાર્યવાહી.. કુંભાણીના ટેકેદારોની થઈ પૂછપરછ.. અપહરણ થવાની વાતને ગણાવી પાયાવિહોણી.. 

કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયા

Loksabha Election : હાલ દેશભરમાં સુરત બેઠકની ચર્ચા થઈ રહી છે. આ બેઠક પર ભાજપ બિનહરીફ બન્યું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોનો વિવાદ અને બાકીના 8 અપક્ષ ઉમેદવારો ખસી જતા સુરત બેઠક સીધેસીધી રીતે ભાજપને ફાળે ગઈ છે. જોકે, સુરત લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા હજી પણ ચાલી રહ્યો છે. ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકેદારોના નિવેદન લેવાયા હતા. સુરત પોલીસે ચારેય ટેકેદારોની પૂછપરછ કરી હતી. કુંભાણીના ‘ગાયબ’ ટેકેદારોનું પોલીસ સમક્ષ વલસાડમાં નિવેદન અપાયું કે, અમારામાંથી એકેયનું અપહરણ થયું નથી. પોલીસને નિવેદન આપી ટેકેદારો ગુજરાત છોડી ગાયબ થયા છે. બધાએ એક સાથે ગુજરાત છોડી દીધું અને મુંબઈ જવા રવાના થયા હતા. જોકે, સમગ્ર કેસમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કુંભાણી હજુ લાપતા છે. આ વચ્ચે સુરત લોકસભાનાં ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. 

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા.

કોંગ્રેસે કુંભાણીને કર્યા સસ્પેન્ડ
કોંગ્રેસ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવાયું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નીચે મુજબની હકીકતો ધ્યાને લઈને તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. તમને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમારા ફોર્મને રદ્દ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કરેલ નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તમારું ફોર્મ રદ્દ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલ ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. આપ જાણતા હશો કે આપ સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે.

નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત
નિલેશ કુંભાણી સમગ્ર વિવાદ બાદથી ગાયબ છે. તેમનો સુરતમાં મોટાપાયે વિરોધ યથાવત ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે પણ કુંભાણીનો વિરોધ દર્શાવાયો હતો. શહેરની સિટી બસો પર નિલેશ કુંભાણીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. 

25 ફૂટનું મોટું બેનર
સુરતમાં આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા દ્વારા અનોખો વિરોધ દર્શાવાયો હતો. સુરતમાં 25 ફૂટનું બેનર હીરા બાગ સર્કલ ખાતે લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં નિલેશ કુંભાનીને રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો અને ગદ્દારના સ્લોગન લખાયા છે. આ બેનરથી લોકોમાં કુતુહલનો માહોલ સર્જાયો છે. 

સમગ્ર ઘટનામાં નિલેશ કુંભાણી હજી પણ ગાયબ છે. પરંતું ગઈકાલે નિલેશ કુંભાણીના પત્ની અને બાળકો 3 દિવસ પછી ઘરે પહોંચ્યા છે. મીડિયા સામે નિલેશ કુંભાની પત્ની રડી પડ્યા હતા. મીડિયા સામે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, બાળકો રૂમ બેસીને રડે છે. ટેકાદારો ક્યા છે તે અંગે લોકો અમને સવાલ કરી રહ્યા છે. અમને કોઇ જાણકારી નથી. નિલેશ કુંભાણીની પત્નીએ પતિના ગાયબ હોવા વિશે કોઈ પણ માહિતી આપી ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news