વૈશ્વિક વેચવાલીને પગલે સેન્સેક્સમાં 759 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 10,250ની નજીક બંધ થયો

આઈટી, ધાતુ, ઓટો અને કેપિટલ ગૂડ્સના શેરમાં જોવા મળી મોટી વેચવાલી, નબળો થતો રૂપિયો પણ જવાબદાર 

વૈશ્વિક વેચવાલીને પગલે સેન્સેક્સમાં 759 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 10,250ની નજીક બંધ થયો

નવી દિલ્હીઃ ગુરૂવારે પણ શેરબજારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક વેચવાલીને પગલે સેન્સેક્સમાં 759 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી પણ 2 ટકા ઘટીને 10,250ની નજીક બંધ રહ્યો હતો. 

સેન્સેક્સ છ મહિનાના સૌથી નીચે 759.74 પોઈન્ટ એટલે કે 2 ટકાના ઘટાડા સાથે 34,001.15 પર બંધ રહ્યો હતો. 11 એપ્રિલ, 2018 બાદ સેન્સેસ્ક આ સૌથી નીચા પોઈન્ટે બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 2.16 ટકાના ઘટાડા સાથે 225.45 પોઈન્ટ ઘટીને 10,234.65 પર બંધ રહ્યો હતો. 

આઈટી, ધાતુ, ઓટો અને કેપિટલ ગૂડ્સના શેરમાં મોટી વેચવાલી જોવા મળી હતી. આજે, દિવસની શરૂઆતમાં રૂપિયો ડોલરની સરખામણીએ 74.48 થઈ જતાં સેન્સેક્સમાં સીધો જ 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જેના કારણે શેરબજારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. 

સેન્સેક્સ ઈન્ટ્રા ડે 34,000નો આંક તોડીને 33,723.53 જેટલો નીચે જતો રહ્યો હતો. ત્યાર બાદ થોડી રિકવરી સાથે સાંજે 34,235.09 જેટલો ઊંચે ગયો હતો. 

બુધવારે વિદેશી પોર્ટોફોલિયો રોકાણકારોએ રૂ.1,096 કરોડના શેર વેચી નાખ્યા હતા, જ્યારે ઘરેલુ રોકાણકારોએ રૂ.1,893 કરોડનાં શેર ખરીદ્યા હતા. 

બુધવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ક્રિસ્ટીન લિગાર્ડ દ્વારા શેરબજાર અંગે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે અમેરિકાના બજારમાં ભારે કડાકો બોલાયો હતો, જેની સીધી અસર ગુરૂવારે એશિયાના શેરબજારો પર થઈ હતી. ચીનનું શેરબજાર પણ ચાર વર્ષના સૌથી નીચા પોઈન્ટે બંધ થયું હતું. 

શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ 5.2 ટકા ઘટીને નવેમ્બર, 2014થી સૌથી નીચલા સ્તરે બંધ રહ્યું હતું. જાપાનના નિક્કીમાં પણ 4 ટકાના ઘટાડા સાથે 225 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news