રશિયા-યુક્રેન યુદ્ધનો ગુજરાતના ડાયમંડ વેપારીઓને નથી ડર, કહ્યું-ઉલટાનો અમને ફાયદો થશે

રશિયા-યુક્રેન યુદ્ધનો ગુજરાતના ડાયમંડ વેપારીઓને નથી ડર, કહ્યું-ઉલટાનો અમને ફાયદો થશે
  • ડાયમંડ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ દેશમાં રશિયાથી આયાત થતો હોવા છતાં ગુજરાતના વેપારીઓ નિશ્ચિન્ત
  • વેપારીઓએ કહ્યું, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાની શક્યતા નહિવત
  • હીરા ઉદ્યોગ માટે કાચો માલ રશિયા પૂરો પાડે છે, પરંતુ રશિયાએ કહ્યું, ખાણમાં થતી કામગીરી સતત ચાલુ રાખશે

અતુલ તિવારી/અમદાવાદ :યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે દુનિયાભરને અસર પડી છે. બંને રાષ્ટ્રો સાથે વ્યવસાય માર્ગે જોડાયેલા ઉદ્યોગો પર મોટી અસર પડી રહી છે. જેમાં ભારત પણ બાકાત નથી. ત્યારે ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ પણ યુદ્ધનો ભોગ બને તેવી સ્થિતિમાં છે. પરંતુ હાલ ડાયમંડ ઉદ્યોગ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ લાબું ચાલે તો તમામ ક્ષેત્રોમાં માઠી અસર થાય એવી ચિંતાઓ વચ્ચે ડાયમંડના વેપારીઓ હાલ નિશ્ચિન્ત છે. કારણ કે, ડાયમંડ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ દેશમાં રશિયાથી આયાત થતો હોવા છતાં વેપારીઓ ચિંતામુક્ત છે. હીરા ઉદ્યોગ માટે જરૂરી 70 ટકા કાચો માલ રશિયાથી ભારતમાં આયાત થાય છે. જો કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની આ સ્થિતિમાં પણ ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાને બદલે વેપારીઓને ભવિષ્યમાં લાભ થવાનો દાવો વેપારીઓએ કર્યો છે. 

આ મામલે અમદાવાદ ડાયમંડ એસોસિએશનના મંત્રી મગન પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે યુદ્ધના કારણે અમારા વેપારીઓમાં કોઈ જ ચિંતા નથી. કારીગરોને આગામી બે વર્ષ સુધી કામ મળી રહે એવી સ્થિતિ છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો પણ આગામી સમયમાં વેપારીઓ કે કારીગરોને કોઈ સમસ્યા નહિ થાય. ડાયમંડ બજારમાં જે હાલ ભાવ મળી રહ્યા છે, એ યુદ્ધ લાંબુ ચાલે તો પણ ઘટવાના નથી. કોરોનાના કપરાકાળમાં અમે ઘણું સહન કર્યું છે પણ છેલ્લા બે મહિનામાં છેલ્લા 40 વર્ષમાં જે તેજી નહતી જોઈ એવી તેજી ડાયમંડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. 

તેમણે વધુમાં કહ્યુ કે, જો કે હાલ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ છે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વેપારીઓ પણ હાલ કોઈ ખરીદી કે વેચાણના મૂડમાં નથી. હીરા ઉદ્યોગ માટે કાચો માલ રશિયા પૂરો પાડે છે, પરંતુ રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ખાણમાં થતી કામગીરી સતત ચાલુ રાખશે. એ સિવાય આગામી સમયમાં યુદ્ધને કારણે રશિયાની કરન્સી પણ તૂટશે, જેનો લાભ ડાયમંડના ઉદ્યોગમાં સૌથી વધુ થવાની અમને આશા છે. છેલ્લા 6 મહિનામાં ડાયમંડ બજારમાં જે તેજી જોઈ છે, એના કારણે આગામી બે વર્ષ સુધી કોઈ સમસ્યા ડાયમંડના વેપારીઓ અને કારીગરોને નહીં થાય એવો વિશ્વાસ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news