કર્ણાટક વિધાનસભા ચૂંટણી વિશે 'ભાગેડુ' વિજય માલ્યાનું મોટું નિવેદન

પોતાના પ્રત્યાર્પણ સંબંધિત એક કેસની સુનાવણી મામલે વેસ્ટમિન્સ્ટરની મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચેલા માલ્યાએ કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીતમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકાર વિશે વાત કરી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી વિશે 'ભાગેડુ' વિજય માલ્યાનું મોટું નિવેદન

લંડન: રાજ્યસભામાં બે વાર કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા વિવાદાસ્પદ લીકર કિંગ વિજય માલ્યાએ શુક્રવારે જણાવ્યું કે કર્ણાટકની આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવું એ તેમનો લોકતાંત્રિક અધિકાર છે. જો કે તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે તેઓ ભારતનો પ્રવાસ કરી શકે તેમ નથી, ત્યાં તેઓ ફ્રોડ અને મનીલોન્ડરિંગના મામલામાં આરોપી છે. માલ્યાએ પહેલીવાર એપ્રિલ 2002થી 9 એપ્રિલ 2008 સુધી સંસદના ઉપલા ગૃહમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

પોતાના પ્રત્યાર્પણ સંબંધિત એક કેસની સુનાવણી મામલે વેસ્ટમિન્સ્ટરની મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચેલા માલ્યાએ કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે કર્ણાટકમાં મતદાન કરવું એ મારો લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ જેમ તમે જાણો છો કે હું અહીં છુ અને પ્રવાસ કરી શકું તેમ નથી.

વિજય માલ્યા બીજીવાર એક જુલાઈ 2010ના રોજ રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં હતાં. જો કે 30 જૂન 2016ના રોજ કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે 5 મે 2016ના રોજ રાજ્યસભાની સદસ્યતામાંથી રાજીનામું મૂકી દીધુ હતું. તેઓ માર્ચ 2016થી બ્રિટનમાં છે. કર્ણાટક ચૂંટણી પર માલ્યાનો મત પૂછતા તેમણે કહ્યું કે હું રાજનીતિ પર નજીકથી નજર રાખી શકતો નથી. જો કે ચૂંટણી પર મારો કોઈ મત નથી. અત્રે જણાવવાનું કે 12મી મેના રોજ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે ચૂંટણી થનાર છે.

ઈડી બેંકોના 9000 કરોડની લોન ન ચૂકવવાના મામલે આરોપી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરશે. ઈડી આ કાર્યવાહી ક્રિમિનલ પ્રોસિજર કોડ સેક્શન 83 હેઠળ કરશે. અત્રે જણાવવાનું કે આ કોડ દ્વારા જ દેશ છોડીને ભાગેલા આરોપીઓ અને ભાગેડુ જાહેર થયેલા અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે. 2 માર્ચ 2016ના રોજ વિજય માલ્યા દેશ છોડીને લંડન ભાગી ગયો હતો.

વિજય માલ્યા પર કેટલુ દેવું છે?
વિજય માલ્યાના સ્વામીત્વવાળી કિંગફિશર એરલાઈન્સ પર 17 બેંકોના 6963 કરોડ રૂપિયાનું દેવું છે. જો કે વ્યાજ મળીને આ દેવું કુલ 9400 કરોડ રૂપિયાથી પણ વધુ છે. એવો આરોપ છે કે વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે IDBI પાસેથી મળેલી 900 કરોડની લોનમાંથી 254 કરોડ રૂપિયા અંગત ઉપયોગ માટે વાપર્યા. કિંગફિશર એરલાઈન્સને 2012માં બંધ કરવામાં આવી હતી અને 2014માં તેની ફ્લાઈંગ પરમિટ રદ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news