ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ કોર્ટે ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી

ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આધારિત છે. 

 ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ કોર્ટે ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને તેના ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી બુધવારે ફગાવી દીધી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ ફિલ્મએ વડાપ્રધાનના બંધારણિય પદને બદનામ કર્યું છે. 

મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી કે વારની પીઠે કહ્યું કે, અરજીકર્તાને અરજી દાખલ કરવાનો અધિકાર નથી અને આમાં વ્યક્તિગત હિત સામેલ છે. અરજીકર્તા પૂજા મહાજને આરોપ લગાવ્યો કે, સિનેમેટોગ્રાફ કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ બનાવનારે ટ્રેલર લોન્ચ કરી દીધું છે, જેનાથી વડાપ્રધાનની છબીને નુકસાન પહોંચ્યું છે તથા તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ રહી છે. 

વકીલ અરૂણ મૈત્રીના માધ્યમથી મહાજન દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, ટ્રેલરે ભારતીય દંડ સંહિતાની કલમ 416નો ભંગ કર્યો છે કારણ કે કાયદામાં જીવિત ચરિત્ર કે જીવિત વ્યક્તિનું પ્રતિરૂપણ કરવાનું સ્વીકાર્ય નથી. 

ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આધારિત છે. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં મનમોહન સિંહની ભૂમિકામાં અનુપમ ખેર અને સંજય બારૂની ભૂમિકામાં અક્ષય ખન્ના છે. ફિલ્મ આ શુક્રવાર (11 જાન્યુઆરી)એ રિલીઝ થશે. વકીલ મૈત્રીએ કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ કલાકારો દ્વારા મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની જિંદગી, તેમની રીત અને અવાજને પ્રસ્તુત કરવા માટે આ ત્રણમાંથી કોઈની મંજૂરી લીધી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news