રેખાએ હેમા માલિની સાથે નિભાવી 'દોસ્તી', મથુરામાં કોલેજ માટે આપ્યા 50 લાખ

હેમાએ ગુરુવારે પોતાના એક ટ્વિટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાં 50 લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યાં (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર મારી સાચી મિત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ રેખાએ પોતાના એમપી ફંડમાંથી મારી ભલામણ પર આપ્યાં હતાં).

રેખાએ હેમા માલિની સાથે નિભાવી 'દોસ્તી', મથુરામાં કોલેજ માટે આપ્યા 50 લાખ

નવી દિલ્હી: 'શોલે' ફિલ્મના સુપ્રસિદ્ધ ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' મહાનાયક અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયું હતું પરંતુ રિયલ લાઈફમાં આ ગીત હેમા માલિની અને રેખા પર ફીટ થાય છે. મથુરાના સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યું છે કે અભિનેત્રી રેખા જ્યારે રાજ્યસભા સાંસદ હતા ત્યારે તેમણે પોતાનું સાંસદ ફંડ મથુરામાં એક કોલેજના નિર્માણ માટે આપ્યું હતું. 

હેમાએ ગુરુવારે પોતાના એક ટ્વિટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાં 50 લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યાં (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર મારી સાચી મિત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ રેખાએ પોતાના એમપી ફંડમાંથી મારી ભલામણ પર આપ્યાં હતાં). આ પૈસાથી કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થશે. અભિનેત્રી રેખા 27 એપ્રિલ 2012થી 26 એપ્રિલ 2018 સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં.

રેખાએ પોતાના સાંસદ ફંડના 5 કરોડ રૂપિયામાંથી સવા કરોડ રૂપિયા હેમા માલિનીને આપવાનું વચન આપ્યું હતું. જેમાંથી 68.52 લાખ રૂપિયા મથુરાના પ્રોજેક્ટ માટે અપાયા. પરંતુ ફંડ અટકી જવાના કારણે અધિકારી આ પ્રોજેક્ટ પર યોગ્ય રિપોર્ટ તૈયાર કરી શક્યા નહીં. હવે મથુરાથી ફરી ચૂંટાઈ આવેલા સાંસદ હેમા માહિનીએ આ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો છે અને ફંડ પણ ફરીથી જારી કરાવ્યું છે. 

Hema malini

રેખા અને હેમા માહિનીની મિત્રતાની આ વાર્તા પર વિસ્તૃત ચર્ચા 'હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ' બાયોગ્રાફીના લેખક રામકમલ મુખર્જીએ કરી છે. તેમણે લખ્યું છે કે "જ્યારે રેખાએ મથુરાની બે શાળાઓના નવિનીકરણ અંગે વાત કરી તો સંસદમાં હોબાળો મચ્યો હતો. લોકોએ દાવો કર્યો કે રેખા, હેમા માલિની સાથે મિત્રતાના કારણે આવું કરે છે."

મુખર્જીએ કહ્યું કે તે સરળ નહતું. હેમા માલિનીની બાયોગ્રાફી મુજબ "રેખા મારી સહેલી છે, આમ છતાં હું સીધી રીતે ફોન કરી શકતી નહતી. મેં તેમના સેક્રેટરીને સ્થિતિ અંગે જાણ કરી. ત્યારે રેખાએ રમન ગર્લ્સ ડિગ્રી કોલેજ માટે 35 લાખ અને કસ્તૂરબા ગાંધી ગર્લ્સ કોલેજ રેસિડેન્શિયલ સ્કૂલ માટે 12 લાખ રૂપિયા આપ્યાં."

રેખા અને હેમા માલિની બંને પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે. બંનેએ 'ગોરા ઔર કાલા', 'જાન હથેલી પે' અને 2010માં આવેલી ફિલ્મ 'સદીયા'માં કામ કર્યું છે. આ ઉપરાંત બંને દક્ષિણ ભારતથી છે. આમ જોઈએ તો હેમા અને રેખાની દોસ્તી દાયકા જૂની છે. એક ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેખા જ એકમાત્ર તેમની સૌથી 'નજીકની મિત્ર' છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news