જબરી સરકાર! મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ

મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે શરમથી ડૂબી મરવા જેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વર્ગો માટે આચાર્યની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ભરતી પ્રક્રિયામાં પોતાની પસંદગીનો આચાર્ય ઇચ્છુક શાળાઓને 50 હજાર રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. 

જબરી સરકાર! મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ

ઝી બ્યુરો/ ગાંધીનગર: ગુજરાતની ભાજપ સરકાર ભ્રષ્ટાચારને મામલે કોંગ્રેસને ભાંડવાની એક તક છોડતી નથી પણ એ જ રસ્તે ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પાસે ગુજરાતીઓને આ અપેક્ષાઓ નહોતી. સમગ્ર રાજ્યભરમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વર્ગો માટે આચાર્યની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ભરતી પ્રક્રિયામાં પોતાની પસંદગીનો આચાર્ય ઇચ્છુક શાળાઓને 50 હજાર રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. જો સંચાલક 50 હજાર રૂપિયા આપે એટલે ગ્રાન્ટેડ શાળા તેની પસંદગીનો આચાર્ય મેળવી શકે છે. 50 રૂપિયા આપીને આચાર્ય મેળવાની સ્કીમ લાગુ થઈ છે તે વિસ્તારની વાત કરીએ તો 128 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી છે, જેના માટે આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉઘરાણા નથી તો શું છે, ભૂપેન્દ્રભાઈ પટેલ આ મામલે સતર્ક નહીં થાય તો સરકારને આ ઘટનાઓ બદનામી અપાવશે.  

એક આચાર્યની નિમણુક માટે 50 હજાર લેખે 128 આચાર્યની નિમણુક આપવા પાછળ 64 લાખ રૂપિયાનું ભંડોળ માત્ર એક DEO એકત્ર કરશે તેવી ચર્ચાઓ જે તે વિસ્તારમાં શરૂ થઈ છે. જો શાળા સંચાલક 50 હજાર રૂપિયા નથી આપતા તો તેમના માટે હેરાન થવાની સ્થિતિ ઉભી થઇ રહી છે. જો કે આ ભંડોળ તો જે તે DEO કચેરીમાં એકત્ર થશે પરંતુ 50 હજાર રૂપિયાની નુકસાની સંચાલક પોતાને શિરે લેશે એવું શક્ય નહીં બને, એટલે સંચાલક દ્વારા આચાર્ય બનવા માંગતા ઉમેદવાર પાસેથી 75 હજારથી 1 લાખ રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની વાતે પણ જોર પકડ્યું છે. ઉમેદવારે જો આચાર્ય તરીકે પસંદગી મેળવવી હોય તો 50 હજારથી 1 લાખ રૂપિયાની વ્યવસ્થા સાથે ઇન્ટરવ્યૂના સ્થળે ઉપસ્થિત રહેવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વર્ગોમાં આચાર્યની બનવા HMAT પાસ થયેલા ઉમેદવારોએ કેન્દ્રીય ભરતી સમિતિને અરજી કરવાની હતી. ઉમેદવારોએ વધુમાં વધુ સાત શાળાઓની પસંદગી આપવાની હતી. ઇન્ટરવ્યૂ માટે દરેક શાળાને 15 ઉમેદવારના નામની યાદી DEO તરફથી આપવામાં આવતી હોય છે. ઘણી શાળાઓમાં જવા કોઈ ઉમેદવારો તૈયાર થતા નથી. કેટલીક સારી શાળાઓમાં જવા અનેક ઉમેદવારો રસ બતાવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011 પહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી શાળા સંચાલકો દ્વારા કરાતી હતી. 11/2/2011 ના જાહેરનામા બાદ રાજ્ય સરકારે આચાર્યની ભરતી પોતાનાં હસ્તક કરી. તે સમયે કહેવામાં આવતું હતું કે, સંચાલકો ભરતીમાં રૂપિયા ઉઘરાવે છે જેને રોકવા અને ભરતી પારદર્શક બનાવવા સરકાર કાયદો લાવી પરંતુ હાલ એ જ પ્રેક્ટીસ ચાલી રહી છે માત્ર ખીસા બદલાયા છે, તેવું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય નિયમ મુજબ કોઈપણ શાળામાં આચાર્યની પસંદગી ના થાય તો ગ્રાન્ટેડ શાળાના સંચાલકને દંડ કરવામાં આવતો હોય છે, જે મુજબ ત્રણ વર્ષ સુધી આચાર્ય આપવામાં આવતા નથી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ એક્ટ મુજબ નિભાવ ગ્રાન્ટ કાપ 5 ટકાથી લઈ 100 ટકા સુધી કરવામાં આવતી હોય છે. એટલે કોઈ સંચાલક પોતાને દંડ થાય તેવું ઇચ્છતા નથી હોતા.

બીજી તરફ આચાર્યની પસંદગી માટે બનતી ભરતી સમિતિ પર પણ કેટલાક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જે મુજબ આચાર્યના ઇન્ટરવ્યૂ માટે DEO, EI, જે તે શાળાના બે પ્રતિનિધિ અને એક તાલુકા બહારનો કેળવણીકારને એકત્ર કરી પસંદગી સમિતિ બને છે. આ પાંચ સભ્યોમાંથી DEO બધા ઇન્ટરવ્યૂમાં હાજર રહેતા નથી હોતા તેમ છતાંય તેમનું ગુણપત્રક બને છે. જે ગેરકાયદે હોવાનો ગણગણાટ શરૂ થયો છે. 

EI ને સભ્ય સચિવ તરીકે જાહેરનામામાં દર્શાવવામાં આવ્યા છે, જેનું કામ મોનીટરીંગનું હોય છે પરંતુ EI પણ પસંદગી પ્રક્રિયા અંતર્ગત ગુણપત્રકમાં ભાગ ભજવે છે. જેને લઈ શાળા સંચાલક મંડળ દ્વારા પણ કમિશનર ઓફ સ્કૂલ્સ કચેરીને પત્ર લખી કાયદા મુજબ અભિપ્રાય મેળવવા અપીલ પણ કરાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news