VIDEO જામનગર: વકીલની હત્યાની ઘટનાનું CCTV ફૂટેજ આવ્યું સામે, જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની છરીના 20 જેટલા ઘા મારી હત્યા કરી નાખવાની ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે.

VIDEO જામનગર: વકીલની હત્યાની ઘટનાનું CCTV ફૂટેજ આવ્યું સામે, જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

મુસ્તાક દલ, જામનગર: જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની છરીના 20 જેટલા ઘા મારી હત્યા કરી નાખવાની ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે.  અતિ ધમધમતા અને ભરચક ટાઉનહોલ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વકીલ પર છરીથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યું છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઈક પર આવેલા શખ્સોએ કિરીટ જોષીને પકડીને તેમના પર હુમલો કરી દીધો હતો. જેમાં છરી વડે હત્યારાઓ દ્વારા એક બાદ એક એમ 20 જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. હત્યા બાદ આ બંને શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ આ હત્યાને પૂર્વ આયોજીત કાવતરૂ રચી અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટ કિલરને સોપારી અપાયાની પણ શંકા છે. આ હત્યા પાછળ રૂપિયા 100 કરોડના જમીનનો મામલો કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છરીના જીવલેણ હુમલાથી ઘાયલ થયેલા વકીલ કિરિટ જોષીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

આ ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યારે બાઈક પર આવેલા હત્યારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હોવાથી જિલ્લા પોલીસ વડા દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ ધારાશાસ્ત્રીની હત્યાને લઈને જામનગર વકીલ મંડળમાં ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો પણ નિર્ણય લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news