Ahmedabad Lift collapse : આ છે 7 શ્રમિકોના મોતના સોદાગર, લિફ્ટ તૂટતા જ સુપરવાઈઝર ઓફિસ છોડી ભાગી ગયા, બિલ્ડરો ફરક્યા જ નહિ

Ahmedabad Lift collapse :ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ તથા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. પરંતુ ત્રણ કલાકના વહાણ વીતી ગયા છતા, કસૂરવાર બિલ્ડરો ફરક્યા પણ નથી. આ બિલ્ડરોએ ઘટના તથા પોતાની ભૂલ છુપવવાનું ગુનાહિત કૃત્ય કર્યું 

Ahmedabad Lift collapse : આ છે 7 શ્રમિકોના મોતના સોદાગર, લિફ્ટ તૂટતા જ સુપરવાઈઝર ઓફિસ છોડી ભાગી ગયા, બિલ્ડરો ફરક્યા જ નહિ

અમદાવાદ :અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા છે. તો એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ શ્રમિકો જુવાનજોધ હતા, અને પરિવારનો આશરો હતો. પરંતુ એક દુર્ઘટનાએ આ તમામ શ્રમિક યુવકોનો જીવ લઈ લીધો. ત્યારે આ ઘટના પર સીધી આંગળી ઈમારતના બિલ્ડર પર ચીંધાઈ રહી છે. જેઓએ 3 કલાક સુધી આ ઘટનાને છુપાવી રાખી. સવારે 9.30 વાગ્યે બનેલી ઘટનામા કોઈને કાનોકાન ખબર ન પડી, અને મીડિયામાં સમાચાર આવ્યા બાદ તંત્ર દોડતુ નથી. આખરે ત્રણ કલાક સુધી આ ઘટનાને છુપાવવાનો શું હેતુ હતો. ત્યારે આ ઈમારતના બિલ્ડરના નામ પણ સામે આવ્યા છે.

ઘટના બનતા જ સુપરવાઈઝર ઓફિસ છોડીને ભાગી ગયા
ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ તથા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. પરંતુ ત્રણ કલાકના વહાણ વીતી ગયા છતા, કસૂરવાર બિલ્ડરો ફરક્યા પણ નથી. આ બિલ્ડરોએ ઘટના તથા પોતાની ભૂલ છુપવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા છે.

11 માળની મંજૂરી આપવામાં આવી હતી
આ ઈમારતની માલિકી એડોર ગ્રૂપના સીએમડી વિકાસ શાહ અને આશિષ કે શાહની હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે.  ત્યારે આખરે કેમ તેઓએ 3 કલાક મજૂરોના મોતને છુપાવ્યું તે મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 21 સપ્ટેમ્બર, 2019 ના રોજ ઈમારત માટે amc ની રજાચિઠ્ઠી મળી હતી. જેમાં 2 સેલર અને 11 માળની મંજૂરી આપવામા આવી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 14, 2022

મેયરે કહ્યું, કડક પગલા લઈશું
મેયર કિરીટ પટેલે નિવેદન આપ્યુ કે, આ ઘટનામાં જવાબદાર લોકોને છોડવામાં નહિ આવે. તેમની સામે કડક પગલા લેવામાં આવશે. અમે તેની ઊંડાણપૂર્વક તપાસ કરીશું. એએમસી પોલીસ સાથે મળીને કાર્યવાહી કરશે. તો અમદાવાદમાં લિફ્ટ તૂટવા મામલે મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, લિફ્ટ તૂટવાની ઘટનાથી દુ:ખી છું. મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે.

આ જ ગ્રૂપની બિલ્ડીંગમાં 5 વર્ષ પહેલા પણ બની હતી દુર્ઘટના

ચોંકાવનારી બાબત એ છે કે, એડોર ગ્રૂપની જ એક ઈમારતમાં પાંચ વર્ષ પહેલા દુર્ઘટના બની હતી, જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા હતા. એડોર ગ્રૂપની નહેરુનગર વિસ્તારમાં ક્લાઉડ-9 નામની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યુ હતું ત્યારે ઘટના બની હતી, જેમાં અકસ્માત સર્જાતા 3 મજૂરોના મોત થયા હતા. 

કેવી રીતે બની આ ઘટના
13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં.શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા હતાં. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિઓને મોકલાયા હતાં. તે ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતાં. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news