હેલમેટ ન પહેરાનારાઓની આવી બની, 10 દિવસમાં ફટાકારાયો લાખોનો દંડ

મદાવાદમાં છેલ્લા 10 દિવસથી ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરનારાઓ સામે ડ્રાઈવ શરૂ કરી છે. અને 10 દિવસમાં લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. છેલ્લા 10 દિવસમાં ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેર્યું હોય તેવા 49 હજારથી વધુ કેસ કરીને પોલીસે આશરે રૂપિયા 50 લાખ જેટલા દંડની વસૂલાત કરી છે

હેલમેટ ન પહેરાનારાઓની આવી બની, 10 દિવસમાં ફટાકારાયો લાખોનો દંડ

અમદાવાદ/ગુજરાત : જો તમે બાઈક કે સ્કૂટર ચલાવો છો અને હેલમેટ નથી પહેરતા તો ચેતી જજો. ટ્રાફિક પોલીસ તમને ગમે ત્યારે ઉભા રાખીને દંડ ફટકારશે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરનારાઓ સામે ડ્રાઈવ શરૂ કરી છે. અને 10 દિવસમાં લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. છેલ્લા 10 દિવસમાં ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેર્યું હોય તેવા 49 હજારથી વધુ કેસ કરીને પોલીસે આશરે રૂપિયા 50 લાખ જેટલા દંડની વસૂલાત કરી છે. 10 નવેમ્બરથી પોલીસે આ ડ્રાઈવ શરૂ કરી હતી. ત્યારે 10 દિવસમાં કરાયેલા કેસ અને દંડની વાત કરીએ તો. 

10 દિવસમાં કેટલા કેસ?    

10 નવેમ્બર -  684 કેસ - 68,4001 રૂપિયા દંડ વસૂલાયો
11 નવેમ્બર - 734 કેસ - દંડની વસૂલાત રૂ. 73,400
12 નવેમ્બર - 4419 કેસ - દંડની વસૂલાત રૂ. 4,41,900
13 નવેમ્બર - 2955 કેસ - દંડની વસૂલાત રૂ. 2,95,500
14 નવેમ્બર - 7724 કેસ - દંડની વસૂલાત રૂ. 7,72,400
15 નવેમ્બર - 5254 કેસ - દંડની વસૂલાત રૂ. 5,25,400
16 નવેમ્બર - 5715 કેસ - દંડની વસૂલાત રૂ. 5,71,500
17 નવેમ્બર - 4869 કેસ - દંડની વસૂલાત રૂ. 4,86,900
18 નવેમ્બર - 6513 કેસ - દંડની વસૂલાત રૂ. 6,51,300
19 નવેમ્બર - 10,370 કેસ - દંડની વસૂલાત રૂ. 10,37000

એકાએક વધ્યું હેલમેટનું વેચાણ
હેલમેટ વગર વાહન ચલાવનારાઓ સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસમાં ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરી હોય તેવા 49 હજારથી વધુ કેસ કરીને પોલીસે રૂપિયા 50 લાખનો દંડ વસૂલ કર્યો છે. પોલીસની આ કામગીરીની અસર હેલમેટના વેચાણ પર પડી છે. જો કે લોકો બ્રાન્ડેડ હેલમેટ ખરીદવાને બદલે સસ્તી હેલમેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ફૂટપાથ પર મળતાં અનબ્રાન્ડેડ અને સસ્તા હેલમેટના વેચાણમાં 3થી 4  ગણો વધારો થયો છે. પોલીસના દંડથી બચવા માટે મોટા ભાગના લોકો ફૂટપાથ પર મળતા સસ્તાં હેલમેટ ખરીદી રહ્યા છે. આ હેલમેટ રૂપિયા 80થી લઈને 150 સુધીમાં મળી જાય છે. પરંતુ ન તો તેની કોઈ બ્રાન્ડ હોય છે, ન તો તેમાં ISIનો માર્ક હોય છે. બીજી તરફ બ્રાન્ડેડ હેલમેટની કિંમત 700 કે 800 રૂપિયાથી શરૂ થાય છે. જેથી લોકો બ્રાન્ડેડ હેલમેટ ખરીદવાનું ટાળે છે.

હેલમેટ માટે લોકોની વિચિત્ર માન્યતા
આ સિવાય લોકોમાં કેટલીક એવી માન્યતાઓ પણ છે જેને લઈને પણ લોકો બ્રાન્ડેડ હેલમેટ નથી ખરીદતા. કેટલાક લોકો એવું માને છે કે હેલમેટ પહેરવાથી ગરમી વધુ લાગે છે. પરંતુ હેલમેટ પહેરવાથી ગરમીથી રાહત મળે છે. તો કેટલાક એમ માને છે કે હેલમેટ પહેરીએ તો વાળ ખરવા લાગે છે અને ટાલ પડી જાય છે. પરંતુ ચામડીના રોગના તબીબો સાથે વાત કરતા તેમણે આ વાતને ફગાવી દીધી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, જો હેલમેટ પહેરવાથી વધુ પરસેવો થતો હોય તો વાળ ધોઈ શકાય અને તેનાથી વાળને કોઈ નુકસાન નથી. હેલમેટ પહેરવાથી તાપ અને ધૂળથી વાળને રક્ષણ મળે છે. કેટલાક લોકો માને છે કે બ્રાન્ડેડ હેલમેટ વજનદાર હોય છે અને તે સતત પહેરવાથી ગરદન દુખવા લાગે છે. પરંતુ બજારમાં ઓછા વજનદાર પણ હેલમેટ મળે છે.

ઉલ્લેખયનીય છે કે ગુજરાતમાં બાઈક કે સ્કૂટર ચલાવનાર અને તેની પાછળ બેસનાર બંન્ને માટે હેલમેટ પહેરવું ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટે સૌથી પહેલા 2005માં હેલમેટ પહેરવું ફરજિયાત કર્યું હતું. ગુજરાતમાં દર વર્ષે ટ્રાન્સપોર્ટ સિવાયના 11 લાખથી વધુ વાહનોનો ઉમેરો થાય છે. જેની સામે 7થી 8 લાખ હેલમેટ વેચાય છે. ગુજરાતમાં હેલમેટનું દર વર્ષે 40 કરોડથી વધારેનું માર્કેટ છે. GST લાગુ થયા બાદ હેલમેટના ભાવમાં વધારો થયો છે. કારણ કે પહેલા હેલમેટ પર 5 ટકા ટેક્સ લાગતો હતો પરંતુ હવે 18 ટકા લાગે છે. ગુજરાતમાં હેલમેટનું ઉત્પાદન ન થતું હોવાથી બહારના રાજ્યોમાંથી તેની આયાત કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news