પાયલોટની જીદને કારણે ગુજરાતના સાંસદોની ફ્લાઈટ છૂટી, બીજા એરપોર્ટથી ઉડવુ પડ્યું, તો કુંડારીયાએ પ્રોગામ કેન્સલ કર્યો

Rajkot Airport : પાયલટની જીદના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ ન થઈ... રાત્રે 8 વાગ્યાની દિલ્લી જતી ફ્લાઈટે ઉડાન ન ભરી... પાયલટની જીદથી 3 સાંસદ સહિત 100 મુસાફરો રઝળી પડ્યા...
 

પાયલોટની જીદને કારણે ગુજરાતના સાંસદોની ફ્લાઈટ છૂટી, બીજા એરપોર્ટથી ઉડવુ પડ્યું, તો કુંડારીયાએ પ્રોગામ કેન્સલ કર્યો

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ શહેરમાં માનવામાં ન આવે તેઓ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાની દિલ્લી ફ્લાઇટ સમયસર ટેકઓફ ન થઇ. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ બીજા પાયલોટની વ્યવસ્થા ન થતા ગઈકાલ રાતથી આ ફ્લાઈટ એરપોર્ટ પર જ રહી, અને ઉડાન ન ભરી શકી. જોકે, આ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તેના કોઈ ઠેકાણા નથી. 

સામાન્ય રીતે એસટી બસ કે લોકલ ટ્રાવેલ્સ હોય તેમનું પણ મેનેજમેન્ટ હોય છે કે કયો ડ્રાઇવરની ક્યારે નોકરી પૂરી થાય છે અને એના રિલિવર તરીકે કોને ત્યાં રાખવા તે સ્થાનિક લેવલે પણ તેઓ નક્કી કરી પેસેન્જરનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જ્યારે વાત હવાઈ મુસાફરીની કરવામાં આવે ત્યારે તેના મેનેજમેન્ટની વિશ્વભરમાં પ્રશંસા થતી હોય છે. પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં ગઈકાલે એટલે કે રવિવારે રાત્રિના આઠ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. પરંતુ ફ્લાઇટનો જે મુખ્ય પાયલોટ હતો તેની શિફ્ટ પૂર્ણ થઈ જતા તેને જીદ પકડી હતી કે હવે હું ફ્લાઇટને ઉડાન નહીં ભરાવું. 

એક તરફ ફ્લાઈટ 8:00 વાગ્યે ઉપડવાની હોવાથી તેમાં અંદાજે 100 જેટલા પેસેન્જર સવાર થઈ ચૂક્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ સાંસદ પણ હતા. જેમાંથી રાજકોટના મોહનભાઈ કુંડારીયા, જામનગરના પુનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર કેસરીદેવસિંહ પણ આ ફ્લાઈટમાં દિલ્હી જવાના હતા. પરંતુ પાયલોટની શિફ્ટ પૂરી થઈ જવાની જીદ સામે મેનેજમેન્ટથી લઈ સાંસદના પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યા હતા. 

પાયલોટ ટસનો મસ થયો ન હતો અને પોતાની જીદ ઉપર અડગ રહેતા જામનગરના સાંસદ પૂનમબેન માડમે જામનગર એરપોર્ટથી દિલ્હી માટેની ફ્લાઇટ પકડી હતી, જ્યારે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ અમદાવાદથી દિલ્હી માટેની ફ્લાઈટ પકડી હતી. જ્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ દિલ્હી જવાનો પ્રોગ્રામ રદ કર્યો હતો. આવી રીતે અનેક પેસેન્જર હેરાન પરેશાન થયા હતા અને એર ઇન્ડિયાના મેનેજમેન્ટ ઉપર રોષ ઠાલવ્યો હતો.

સૌથી મહત્વનો સવાલ એ છે કે મુખ્ય પાયલોટની શિફ્ટ પૂરી થઈ જવાનો ખ્યાલ શું એર ઇન્ડિયા મેનેજમેન્ટને ન હતો??? તે પણ સૌથી મહત્વનો સવાલ છે પરંતુ આ બનાવ અત્યારે રાજકોટ સહિત સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો કિસ્સો બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news