સુરતમાં ઓવર બ્રિજની સલામતી ભગવાન ભરોસે, અનેક બ્રિજમાં પડ્યા ખાડાં, મનપા ઘોર નિંદ્રામાં

બ્રિજના શહેર તરીકે ઓળખાતા શહેર સુરતમાં બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરમાં આવેલા અનેક બ્રિજમાં ગાબડાં પડી ગયા છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ કે નેતાઓ હજુ ધ્યાન આપતા નથી. સુરતમાં ઘણા બ્રિજ પર તો અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. 

સુરતમાં ઓવર બ્રિજની સલામતી ભગવાન ભરોસે, અનેક બ્રિજમાં પડ્યા ખાડાં, મનપા ઘોર નિંદ્રામાં

ચેતન પટેલ, સુરતઃ મહાનગર સુરતમાં ઓવરબ્રિજની સુરત બગડી ગઈ છે. ઓવર બ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં તંત્રએ બ્રિજની સલામતીને ભગવાન ભરોસે છોડી દીધી છે. જે બ્રિજ સતત વાહનવ્યવહારથી ધમધમતા રહે છે, તેના પર ગાબડાં પડી ગયા છે. આ ગાબડામાંથી સળિયા બહાર ડોકાઈ રહ્યા છે, વાહનચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે, પણ તંત્રને તેનાથી કોઈ ફરક નથી પડતો. તંત્રની નજર હજુ આ સમસ્યા તરફ નથી પડી.

આ દ્રશ્યો રાજ્યના કોઈ અંતરિયાળ વિસ્તારના નથી, આ દ્રશ્યો કોઈ ગ્રામ્ય વિસ્તારના નથી, પણ સુરત શહેરના છે, જ્યાં ઓવરબ્રિજના રસ્તા પણ સલામત નથી. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ઓવરબ્રિજ પર વાહન ચલાવવા જનતા માટે જોખણી અને જીવલેણ સાબિત થઈ શકે છે, ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે...કેમ કે બ્રિજમાંથી સળિયા બહાર આવી ગયા છે, છતા મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ દ્રશ્યોને જોઈ શકતા નથી. 

આ દ્રશ્યો શહેરનાં કોઈ એક બ્રિજ પૂરતા મર્યાદિત નથી. વરસાદ વચ્ચે વેડ-વરિયાવનો બ્રિજ બેસી ગયો હોવાનો દાખલો હજુ તાજો જ છે. ત્યારે કતારગામના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ અને સિંગણપોર બ્રિજ પર પણ ગાબડાંનું સામ્રાજ્ય છે. દરરોજ હજારો વાહનચાલકો આ જ સ્થિતિમાં બ્રિજ પરથી પસાર થાય છે. છતા 10 દિવસથી તંત્ર જાગતું નથી.

સીંગણપોર બ્રિજમાં 15 ફૂટના અંતરે 5 ખાડા જોવા મળ્યા છે. ખાડા એટલા ઉંડા બની ગયા છે કે રોડના સળિયા બહાર આવી ગયા છે. આ સળિયા ગમે તૂટી શકે છે, વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. એક વાહનને અકસ્માત નડે તો પાછળ અકસ્માતની વણઝાર લાગી શકે છે, સૌથી વધુ જોખમ ટુવ્હીલર ચાલકોને છે, પણ તંત્રને આ ખાડા પૂરવા માટેનો સમય નથી મળતો. 

કતારગામ વિસ્તારમાં બનેલા પ્રમુખ સ્વામી બ્રિજની હાલત પણ દયનીય છે. પહેલા જ વરસાદમાં બ્રિજનો રસ્તો ધોવાઈ ગયો છે. ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં પણ ખાડામાંથી સળિયા બહાર ડોકાઈ રહ્યા છે. વાહનચાલકો પોતાના જોખમે બ્રિજ પરથી પસાર થાય છે. તંત્ર કદાચ વધુ ખાડા પડવાની કે ખાડા મોટા થવાની રાહ જોઈ રહ્યું છે. સ્થાનિકોનું માનીએ તો બ્રિજ પરનાં ખાડા ભ્રષ્ટાચારનું કારણ અને પરિણામ બંને છે.

હજુ પાંચ દિવસ પહેલાં જ વરસતા વરસાદ વચ્ચે સુરતનો વેડ-વરિયાવ બ્રિજ બેસી ગયો હતો. 118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજનું એક મહિના પહેલાં જ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. પણ પહેલા જ વરસાદમાં બ્રિજની આ હાલત થઈ, એક મહિનામાં જ બ્રિજ પર કૌભાંડની તિરાડો દેખાવા લાગી. સવાલ એ છે કે આ દ્રશ્યો પાછળ જવાબદાર કોણ, એ જનતા જેના ટેક્સના પૈસામાંથી સત્તાધીશો બ્રિજ બનાવે છે. કે પછી એ સત્તાધીશોનો, જે કોન્ટ્રાક્ટરોને છાવરે છે.

સવાલ એ પણ છે કે જો આ ખાડાને કારણ અકસ્માત સર્જાય તો, તેની પાછળ જવાબદાર કોણ. તંત્ર શા માટે આ ખાડાની જગ્યાએ સમારકામ નથી કરતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ હજુ સુધી સક્રિય નથી થતા. શું તંત્ર માટે સામાન્ય લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news